- વિનિ ઈમિગ્રેશનની મહિલાએ પાંચને વિદેશમાં કન્સલ્ટન્સી શરૂ કરવા લલચાવ્યા
- પ્રોસેસિંગ ફીના નામે નાણાં લેવાનું શરૂ કરી તબક્કાવાર પૈસા પડાવતી રહી
- ગાંધીનગર ઉદ્યોગભવનમાં તપાસ કરતા કોઇ ફાઈલ જ ન આવી હોવાનું સામે આવ્યું
નવરંગપુરામાં આવેલી વિની ઈમીગ્રેશન એન્ડ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડની ઓફ્સિની કર્મચારીએ પાંચ લોકોને વિદેશમાં કન્સલ્ટન્સી કંપની બનાવવાની, અલગ અલગ દેશોના લાઈસન્સ અપાવવાની અને કેનેડાના પીઆર વિઝા કરાવી આપવાની લાલચ આપી રૂ.58.66 લાખ પડાવી લીધા હોવાની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
બાપુનગરના મહેશભાઇ પટેલ રખિયાલમાં દુકાન ધરાવે છે. તેમના પુત્ર સર્જન અને પુત્રવધૂ હેમાંશીને કેનેડા જવુ હોવાથી વર્ષ 2022માં લો ગાર્ડન પાસે આવેલી વિની ઇમિગ્રેશન એન્ડ એજ્યુકેશન પ્રા. લિ.ની ઓફ્સિે ગયા હતા. જ્યાં હેતલ ત્રિવેદીએ કેનેડાના પીઆર માટે બંનેની 5.50 લાખ ફી કહી હતી. બાદમાં કોચિંગ, ઓફ્સિ ખર્ચ, વર્ક પરમિટ લેટર અને વીમા લેટરના નામે નવ લાખથી વધુ લઈ કોઇ કામ કરી આપ્યું ન હતું. ત્યારબાદ મહેશભાઇએ સર્જનને રજિસ્ટર લાઈસન્સવાળી ઇમિગ્રેશન કંપની ખોલવા કહ્યું હતું અને હેતલે વિની જેવી જ કંપની સ્થાપી આપવાની ખાતરી આપીને સર્જનના પત્નીને ડિરેક્ટર બનાવવાનું કહીને એક લાખ અને પેપરવર્કના મળીને લાખો રૂપિયા પડાવ્યા હતા. બાદમાં હેતલે અલગ-અલગ બહાને લાખો રૂપિયા લીધા હતા. હેતલે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, ન્યૂઝીલેન્ડ અને જર્મની દેશોના લાઈસન્સ મળી ગયા હોવાનું કહીને ગાંધીનગરથી કામ આગળ વધારવાનું કહ્યુ હતું. જેથી ગાંધીનગર ઉદ્યોગભવનમાં તપાસ કરતા આવી કોઇ ફાઈલ જ ન આવી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેમને જાણવા મળ્યું હતું કે, આ લોકોએ બીજા સાથે પણ આવી કુલ 58.66 લાખની છેતરપિંડી આચરી છે.


