- મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહી કે પછી મતાધિકારના ઉપયોગમાં ઉદાસિનતા તે ચિંતાનો વિષય
- લોકસભા બેઠક વિસ્તારમાં પુરુષ મતદારોના 59.82 ટકા મતદાન સામે મહિલા મતદારોનું 49.79 ટકા મતદાન
- પુરૂષોની સરખામણીએ 10.03 ટકા મહિલાઓએ ઓછુ મતદાન કર્યુ હતુ.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા.7મી મેએે યોજાયેલા મતદાનમાં મહિલાઓ મતદાન કરવામાં પુરૂષ સમોવડી સાબિત થઈ નથી. લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકોમાં પુરૂષોએ 59.82 ટકા મતદાન કર્યુ હતુ. જયારે મહિલાઓએ માત્ર 49.79 ટકા જ મતદાન કર્યુ હતુ. આમ પુરૂષોની સરખામણીએ 10.03 ટકા મહિલાઓએ ઓછુ મતદાન કર્યુ હતુ. મહિલાઓના ઓછા મતદાનથી પરિણામ તેની શું અસર રહે છે? તે હવે આગામી તા. 4થી જુને પરિણામના દિવસે જ ખ્યાલ આવશે.
હાલના આધુનિક સમયમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની ગઈ છે. નાના એવા ગૃહ ઉદ્યોગથી લઈને હવાઈ જહાજના પાયલોટ અને અંતરીક્ષ સુધી મહિલાઓ પહોંચી ગઈ છે. પરંતુ ચૂંટણીઓમાં મતદાનમાં મહિલાઓની ભાગીદારી ચિંતાનો વિષય છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં મંગળવારે યોજાયેલા મતદાનમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓએ ઓછુ મતદાન કર્યુ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં નોંધાયેલા 10,56,612 પુરૂષ મતદારોમાંથી 6,32,073 પુરૂષ મતદારોએ મતદાન કરતા પુરૂષ મતદારોની ટકાવારી 59.82 ટકા નોંધાઈ છે. જયારે મહિલાઓએ પુરૂષોની સરખામણીમાં ઓછુ મતદાન કર્યુ છે. જિલ્લામાં નોંધાયેલા 9,76,775 મહિલા મતદારોમાંથી 4,88,049 મહિલા મતદારોએ જ મતદાન કર્યુ છે. જે મહિલા મતદારોએ મતદાન કર્યુ તેની ટકાવારી 49.79 ટકા છે. આમ પુરૂષોની સરખામણીએ મહીલા મતદારોએ 10.03 ટકા ઓછુ મતદાન કર્યુ છે. મહિલાઓ મતદારો પર નજર કરીએ તો યુવા મહીલા મતદારોએ બહોળી સંખ્યામાં મતદાન કર્યુ હોય તેવુ મતદાન મથકો પર લાગતુ હતુ. જયારે આધેડ વયની ગૃહીણી મહીલાઓ ઓછી મતદાન કરવા મતદાન મથકોએ ફરકી હતી. આમ, સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતદાન કરવામાં મહીલાઓ પુરૂષ સમોવડી સાબીત થઈ શકી નથી. મહીલાઓના ઓછા મતદાનની અસર કયા પક્ષ પર કેટલી પડે છે તેનો ખ્યાલ તો તા. 4થી જુને મત ગણતરી સમયે આવી જશે. પરંતુ હાલ તો મહિલાઓનું ઓછુ મતદાન ચૂંટણી વિભાગ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.


