- ભગવાન રામલલાના મંદિર માટે મહિલાનું એક અનોખું વ્રત 22 જાન્યુઆરીએ પૂર્ણ થશે
- ધનબાદના સરસ્વતી દેવીને અયોધ્યામાં મૌની માતાના નામથી ઓળખવામાં આવે છે
- અયોધ્યામાં મૌની માતાને ખાસ આમંત્રણ મળ્યું છે
ઝારખંડની 85 વર્ષની એક વૃદ્ધ મહિલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટનનું સપનું સાકાર થયાં બાદ પાછલા ત્રણ દાયકાથી ચાલી રહેલાં પોતાના મૌન વ્રતને તોડી નાખશે. તેના પરિવારે દાવો કર્યો છે કે 1992માં જે દિવસે વિવાદિત ઢાંચાને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યો હતો તેજ દિવસે સરસ્વતી દેવી નામની આ મહિલાએ પ્રતિજ્ઞા કરી હતી કે તે હવે ત્યારે જ બોલશે કે જ્યારે રામમંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મંદિરના ઉદ્ઘાટન સમારોહને નજરે જોવા માટે ધનબાદ નિવાસી સરસ્વતી દેવી સોમવારે રાત્રે ટ્રેનથી ઉત્તરપ્રદેશના અયોધ્યા માટે રવાના થઈ હતી. સરસ્વતી દેવીને અયોધ્યામાં મૌની માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલા પાછલા 30 વર્ષતી પરિવારના સભ્યો સાથે પણ સાંકેતિક ભાષામાં વાત કરે છે. તે લોકો સાતે લખીને વાત કરે છે. સરસ્વતી દેવીએ વચ્ચે કેટલાક વર્ષ મૌન વ્રતમાં રોજ એક કલાકનો વિરામ લીધો હતો પરંતુ જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો તે દિવસથી ફરીથી પૂર્ણ મૌન વ્રત ધારણ કરી લીધું છે. સરસ્વતી દેવીનો પરિવાર કહે છે કે 1992માં વિવાદિત ઢાંચાના ધ્વસ્ત થયાં બાદ સરસ્વતી દેવીએ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને રામજન્મભૂમિ સ્થળ પર જઈને જ્યાં સુધી રામમંદિરનું નિર્માણ ના થાય ત્યાં સુધી મૌન વ્રત રાખવાનો સંકલ્પ લઈ લીધો હતો.
અયોધ્યામાં મૌની માતાને ખાસ આમંત્રણ મળ્યું છે
સરસ્વતી દેવીના સૌથી નાના પુત્રે જણાવ્યું હતું કે મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજના શિષ્યોએ રામમંદિર ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેની માતાને ખાસ આમંત્રણ આપ્યું છે. નોંધનીય છે કે ચાર પુત્રીઓ સહિત આઠ બાળકોની માતા સરસ્વતી દેવીએ 1986માં પોતાના પતિ દેવકીનંદન અગ્રવાલના નિધન બાદ પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું છે અને જીવનનો અધિકાંશ સમય તીર્થયાત્રામાં જ પસાર કર્યો છે.


