ACC મહિલા ઈમર્જિંગ એશિયા કપની બીજી સિઝન શ્રીલંકામાં રમાવાની હતી. પરંતુ હવે આ ટુર્નામેન્ટને લઈને એક મોટી અપડેટ આવી છે. એશિયા કપ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યો.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે 2 જૂનના રોજ ટુર્નામેન્ટે સ્થગિત રાખવાની સત્તાવાર જાહેરાત કરી. ટુર્નામેન્ટ 6 જૂનથી શરૂ થવાની હતી. પરંતુ હાલમાં આ ટુર્નામેન્ટને સ્થગિત રાખવામાં આવી છે. પરંતુ કાઉન્સિલે કહ્યું છે કે ટુર્નામેન્ટનું નવું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સામે આવ્યું મોટું કારણ
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, એશિયન ક્રિકેટ કાઉન્સિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમને મહિલા ઈમર્જિંગ એશિયા કપને હાલ પૂરતી સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે જણાવ્યું હતું કે શ્રીલંકા ક્રિકેટે તેમના એરિયામાં પ્રતિકૂળ હવામાન અને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટને ફરીથી શેડ્યૂલ કરવાની વિનંતી કરી હતી. આ કારણે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીલંકામાં ખરાબ હવામાનને કારણે હાલમાં ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી છે. ફેન્સ નવા શેડ્યુલના જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
ભારતે જીત્યું હતું પહેલું ટાઈટલ
મહિલા ઈમર્જિંગ એશિયા કપની પહેલું સિઝન વર્ષ 2023માં રમાઈ હતી. હોંગ કોંગમાં રમાયેલી આ ટુર્નામેન્ટને ભારતે પોતાના નામે કરી હતી. ભારત Aએ ફાઈનલમાં બાંગ્લાદેશ Aને 31 રનથી હરાવીને ટાઈટલ પોતાને નામ કર્યું હતું. આ ટુર્નામેન્ટ ઈન્ડિયા A, બાંગ્લાદેશ A, પાકિસ્તાન A, શ્રીલંકા A, સંયુક્ત અરબ અમીરાત, નેપાળ અને યજમાન હોંગ કોંગે ભાગ લીધો હતો.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારત આ ટુર્નામેન્ટમાંથી પાછળ ખસી શકે છે. પરંતુ બાદમાં BCCIએ આ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા.