મહિલા પ્રીમિયર લીગમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને 33 રનથી હરાવ્યું. આ ટુર્નામેન્ટમાં યુપીનો પહેલો વિજય છે અને તેને છેલ્લી મેચમાં દિલ્હી સામેની હારનો બદલો પણ લઈ લીધો છે.
યુપીની જીતમાં સૌથી મોટો ફાળો ચિનેલ હેનરીનો છે, જેને 62 રનની ઝડપી ઈનિંગ રમી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. બોલિંગમાં, યુપી તરફથી ક્રાંતિ ગૌર અને ગ્રેસ હેરિસે ચાર-ચાર વિકેટ લીધી. ગ્રેસ હેરિસે 20મી ઓવરમાં હેટ્રિક લીધી.
ચિનેલ હેનરીએ 18 બોલમાં અડધી સદી ફટકારી
આ મેચમાં યુપી વોરિયર્સે પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા. એક સમયે, યુપી ટીમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, કારણ કે ટીમે 89 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી. પરંતુ અહીંથી, વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન શિનેલ હેનરીએ 18 બોલમાં અડધી સદી ફટકારી. તે મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ખેલાડી બની ગઈ છે. હેનરીએ 23 બોલમાં 62 રનની તોફાની ઈનિંગ રમી અને યુપીને 177 રનના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ફેલ
178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી. મેગ લેનિંગ 5 રન બનાવીને આઉટ થઈ ગઈ. શેફાલી વર્મા 24 રન બનાવીને આઉટ થઈ ગઈ. જ્યારે જેમીમા રોડ્રિગ્સે 56 રન બનાવ્યા. તેના સિવાય બીજો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહીં. મેરિઝાન કેપ (9), એનાબેલ સધરલેન્ડ (5), જેસ જોનાસેન (5) અને સારાહ બ્રાયસ (5) તરત જ આઉટ થઈ ગઈ. ક્રાંતિ ગૌરે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી. દીપ્તિ શર્માએ 1 વિકેટ લીધી. દિલ્હીની ટીમ 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
હેનરીએ રમી શાનદાર ઈનિંગ્સ
પ્રથમ બેટિંગ કરતા, યુપી વોરિયર્સે નિર્ધારિત 20 ઓવરમાં 177 રન બનાવ્યા. યુપી વોરિયર્સ માટે હેનરીએ 23 બોલમાં આઠ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. યુપી વોરિયર્સની ટીમે માત્ર 89 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હેનરીએ 19મી ઓવરમાં અરુંધતી રેડ્ડીના બોલ પર ત્રણ છગ્ગા ફટકારીને 18 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી.


