ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ
બૂકાનીધારી બે શખ્સોએ એકસેસના હુકમાંથી થયેલો સેરવી લઇ ફરાર
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર શહેરના ટી.વી કેન્દ્ર પાસે શ્રમજીવી અખાડામાં રહેતા મહિલા પગારના રૂ. 90,500 હજાર થેલીમાં મુકી એક્સેસમાં ઘરે જઈ રહ્યા હતા. ત્યારે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં એક ટ્રક સામે આવતા તેઓએ એક્સેસ ઉભું રાખતા મોઢે રૂમાલ બાંધી બે શખસો આવી મહિલાની નજર ચુકવી ઍક્સેસમાં ટીંગાડેલ રોકડ ભરેલો થેલો લઈ નાસી છુટ્યા હતા. બનાવને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જે મામલે ગંગાજળિયા પોલીસે બે અજણાયા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરની શ્રમજીવી અખાડા પાસે ટીવી રીલે કેન્દ્ર નજીક રહેતા શિલ્યાબેન વિજયભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસા દરમિયાન તેણી જુના બંદર રોડ, વૈશાલી સિનેમા પાસે લાલ સાંઈ એસ્ટેટમાં ચા-ખાંડ પેકિંગ કરવાની મજુરી કામ કરતા હતા. ત્યાથી તેના પતિના પગારના પૈસા રૂ. 40 હજાર, કારીગરોના પગારના રૂ. 49 હજાર, પોતાનો પગાર રૂ. 6 હજાર અને અન્ય 5500 મળી કુલ રૂ. 90,500 થેલામાં મુકી તેઓનું એક્સેસ લઈ પોતાના ઘરે જવા નિકળ્યા હતા.
કરચલીયા પરા વિસ્તારના આગરીયા વાડના નાકા પાસે રોડ ખરાબ હોવાથી અને સામેથી ટ્રક આવતા તેઓએ તેનું એક્સેસ ઉભું રાખ્યું હતું. જે દરમિયાન મોઢે રૂમાલ બાંધી આવેલા 2 શખસે તેઓની નજર ચુકવી રોકડ ભરેલી થેલી એક્સેસના હુંકમાંથી કાઢી લઈ નાસી છુટ્યા હતા. બનાવને લઈ લોકો ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. જે ફરીયાદ અનુસંધાને ગંગાજળીયા પોલીસે 2 અજાણ્યા શખસ સામે BNS એક્ટ 303(2), 54 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


