- 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઈલ દિવસ
- ટ્રસ્ટે 30 અંધ દિકરીઓના વૈવિશાળ કર્યા
- પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ લાગણી વ્યક્ત કરી
વિશ્વ બ્રેઈલ દિવસની ઊજવણી
4 જાન્યુઆરી વિશ્વ બ્રેઈલ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણીના ભાગ રૂપે જુનાગઢની પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાના પ્રમુખ, મનસુખભાઈ વાજાએ જુનાગઢમાં વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી કરી હતી. તેમણે સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 17 વર્ષથી અંધ દીકરીઓ માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહ્યાં છે. અને 30 જેટલી અંધ દીકરીઓના વેવિશાળ કરી કરિયાવર સાથે સાસરે પણ વળાવેલ છે.
215મી જન્મ જયંતી
આ કાર્યક્રમમાં હાજર સૌ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ લુઈ બ્રેઈલની 215 મી જન્મ જયંતી નિમિત્તે વંદન કર્યું હતું અને અભિપ્રાયો આપ્યા હતા કે, બ્રેઈલ લીપી અમારી ગીતા છે, જેના સહારે સામાન્ય માનવીની સાથે હરીફાઈ કરીએ છીએ, કુદરતે ભલે અમારી દ્રષ્ટિ છીનવી લીધી પરંતુ આંતરિક શક્તિ ડબલ આપી છે. જેનાથી અડગ વિશ્વાસ સાથે અમે જીવન જીવીએ છીએ અને કંઈક મેળવવા મહેનત કરીએ છીએ.
ટ્રસ્ટની દીકરીઓના અભિપ્રાયો
કન્યા છાત્રાલયની કેટલીક દીકરીઓએ જણાવ્યું કે, સાડા ત્રણ વર્ષની ઉંમરે મગજના ટ્યુમરના કારણે દ્રષ્ટિ છીનવાઇ છતાં બ્રેઇલ લિપીના સહારે એમ.એ., પી.જી.ડી.સી.ની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને હાલમાં પોરબંદર અંધજન પુસ્તકાલયના પુસ્તકો લખે છે અને રોજેરોટી મેળવી આત્મનિર્ભર જીવન જીવે છે. બેન્કિંગ અથવા રેલવેમાં નોકરી મેળવવાની તમન્ના છે. બીજા એક બહેને જણાવ્યું કે, 14 વર્ષની વયે અંધાપો આવ્યો. ત્યારથી બ્રેઈલ લિપિના સહારે એમ.એ. ના પહેલાં વર્ષમાં અભ્યાસ કરે છે. અને શિક્ષક બનવાનું સપનું છે. તેવી જ રીતે એક દીકરીએ ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે અને સંગીત કોમ્પ્યુટરનો શોખ છે અને સિંગર બનવાની ઈચ્છા છે.
કોટી કોટી વંદન
આજે 215મી જન્મ જયંતિ નિમિત્તે આંગળીના ટેર્વે આપેલી આંખો અમારા માટે આશીર્વાદરૂપ નીવડી છે. લુઈ બ્રેઈલની 215મી જન્મ જયંતિ નિમિત્તે સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ વતી બ્રેઇલ લીપી શોધવા બદલ લુઈ બ્રેઈલને કોટી કોટી વંદન કર્યું હતું.
30 દીકરીઓના વૈવિશાળ કર્યા
આ સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ મેઘનાથી પોતે અંધ છે. બ્રેઈલ લિપિના સહારે અભ્યાસ કરી જૂનાગઢની સુખનાથ ચોકમાં આવેલી પ્રાથમિક શાળા (મારી શાળા)માં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત આ છાત્રાલયની 15 અંધ દીકરીઓ જાતે જ રસોઈ બનાવે છે અને પરિવાર જેમ રહે છે. 30 જેટલી અંધ દિકરીઓનો વેવિશાળ કર્યો. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે દ્રષ્ટિ નથી તેથી આંખોથી બહારનું દ્રશ્ય નિહાળી શકતા નથી. આ માટે બ્રેઇલ લિપી અંધજન માટે આશીર્વાદરૂપ છે.


