એશિયાના અનેક દેશોમાં ફરી કોવિડ-19 કહેર જોવા મળ્યો છે. સિંગાપોર, હોંગકોંગ, ચાઈના સહિત થાઈલેન્ડમાં કોવિડ-19 ફરી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ દેશોમાં કોવિડ-19 કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. એશિયામાં ફરી પાછા કોવિડના નવા વેરિએન્ટમાં જોવા મળ્યા. વર્ષ 2020માં કોવિડ-19એ દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. દુનિયામાં ફરી પાછી કોવિડની લહેર જોવા મળતા WHO સહિત એશિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે.
એશિયાના દેશોમાં વધ્યો કોવિડનો કહેર
દુનિયામાં એકબાજુ મે મહિનાના આરંભમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિને લઈને ચિંતાનો માહોલ હતો. દરમિયાન હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં આ જ સમયગાળામાં કોવિડનો પગપેસારો જોવા મળ્યો. હોંગકોંગમાં છેલ્લા 10 દિવસની અંદર કોવિડના કેસ 30 ગણાથી વધુ વધ્યા છે. 10 મે સુધીમાં હોંગકોંગમાં કુલ 1,042 કોવિડ કેસ નોંધાયા હતા. ચીન અને થાઇલેન્ડમાંથી પણ કોવિડના કેસ વધવાના અહેવાલો આવી રહ્યા છે.
સિંગાપોરમાં મે મહિનાના આરંભમાં 14,000 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપોરમાં પણ એક અઠવાડિયામાં કોવિડ કેસોમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. . સિંગાપોરમાં હાલમાં ફેલાતા સૌથી પ્રચલિત કોવિડ પ્રકારો LF.7 અને NB.1.8 છે.
કોવિડ ગાઈડ લાઈન લાગુ
હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં કોવિડના સામે આવેલ આંકડા મુજબ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે પરંતુ મોટાભાગના દર્દીઓમાં સામાન્ય સમસ્યા જોવા મળી છે. એક રિપોર્ટ મુજબ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાં (ICU) જેવી ગંભીર સમસ્યા બહૂ ઓછી જોવા મળી છે. કોવિડ કેસમાં વધારો થતા હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડમાં કોવિડ ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. આ દેશોની સરકાર દ્વારા સ્વાસ્થ્ય મામલે ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ખાસ કરીને જેમને પહેલાથી જ ગંભીર બિમારી છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેમને અગાઉના ડોઝ અથવા ચેપના ઓછામાં ઓછા 6 મહિના પછી કોવિડ રસીનો બીજો ડોઝ લેવાની સલાહ આપી છે.