- ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે
- ભારતીય ટીમ બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે
- મેચ જોવા માટે 100થી વધુ VVIP પહોંચશે
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ટકરાશે. જેના માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ માટે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર છે. વર્લ્ડકપમાં ભારતે સતત 10 મેચ જીતી છે. ત્યારે ફાઇનલ મેચમાં 100થી વધુ વીવીઆઇપી મેચ જોવા માટે આવશે. આ મહામુકાબલાને જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. કહેવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે અને તેઓ પણ હાજરી આપી શકે છે.
Live Update :
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. જેની સાથે જ તેમને ટીમ ઈન્ડિયાને જીત માટેની શુભેચ્છા પાઠવી છે.
રાજકીય નેતાઓથી લઈ ફિલ્મ સ્ટાર પહોંચશે
મેચ દરમિયાન આઠ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ પણ આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થઇ શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના પરિવાર મેચમાં હાજર રહેવાની શક્યતા છે. આ સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન, રામચરણ હાજર રહી શકે છે. વર્લ્ડકપ ફાઇનલ મેચને જોવા માટે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ, હાજર રહી શકે છે.
વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર – બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 6 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદના હજારો પોલીસ જવાનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, એનડીઆરએફ, આર.એ.એફ. અને એસ આર પી સહિતની સુરક્ષા એજન્સીઓનીનો બંદોબસ્ત ગોઠવાયો છે.
શું છે સમગ્ર કાર્યક્રમ
તેમજ ફાઈનલમાં સેરેમનીની શરુઆત ‘સેલ્યુટ ફ્રોમ સ્કાય’ IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો હશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે. આ પર્ફોરમન્સ 12.30 વાગ્યે 10 મિનિટ માટે થશે. આ એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક દ્વારા લીડ કરવામાં આવશે. આ એર શો દ્વારા ન્યૂ ઇન્ડિયાને સલામી અપાશે. સાંજના 5.30 વાગ્યે 15 મિનિટ માટેનું એક પર્ફોમન્સ યોજાશે. આ દિવસે એક હિસ્ટોરિક ઈવેન્ટ બનશે. પહેલીવાર વર્લ્ડકપના ફાઈનલ મેચના દિવસે વર્લ્ડકપ વિનિંગ કેપ્ટનને સન્માનિત કરવામાં આવશે. નમો સ્ટેડિયમમાં BCCI દ્વારા આ તમામ કપ્તાનોનું સન્માન કરવામાં આવશે.
મહત્વનું છે કે આ મેચમાં બોલિવૂડનો લોકપ્રિય ગાયક પ્રિતમ પોતાના 500 સિંગર્સ અને ડાન્સર્સની ટીમ સાથે થીમ જશ્ન પર લાઈવ પરફોર્મ કરશે. સ્ટેડિયમમાં દર્શકોને અદ્દભૂત અનુભવ આપવા પ્રિતમ અને તેની સાથે ગાયકોની ટીમ ફિલ્ડની આસપાસ 360 લેપ ફરતે પરફોર્મ કરશે. આ દરમિયાન દેવા દેવા, કેસરીયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધુમ મચાલે, દંગલ અને થીમ સોંગ દિલ જશ્ન જશ્ન બોલે પર પરફોર્મન્સ ચાલશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. આ ઉપરાંત લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે 1200 ડ્રોનની મદદથી મનમોહક ડ્રોન શો યોજાશે. જેના પછી આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે.


