- વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
- ભારતીય ટીમે સેમીફાઈનલમાં કર્યું ક્વોલિફાઈ
- ભારતના ફીલ્ડિંગ કોચ છે ગણિતના શિક્ષક
કોઈપણ ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શનમાં ફિલ્ડર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. વર્લ્ડકપ 2023માં પણ આ જોવા મળી રહ્યું છે. બંને ટોચની ટીમોના ખેલાડીઓ મેદાનમાં શાનદાર ફિલ્ડિંગ કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે ભારતીય ટીમે નવી પરંપરાની શરૂઆત કરી છે. દરેક મેચ બાદ શ્રેષ્ઠ ફીલ્ડિંગ કરનારા ખેલાડીને મેડલ આપવામાં આવે છે. આ કામ ટીમના ફીલ્ડિંગ કોચ ટી દિલીપ કરી રહ્યા છે.
ટી દિલીપ કોણ છે?
ટી દિલીપ અત્યારે ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ છે. આ પહેલા તેમણે IPL અને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ડેક્કન ચાર્જર્સના સહાયક ફીલ્ડિંગ કોચ તરીકે લગભગ એક દાયકો વિતાવ્યો હતો. દરેક પરિવારની જેમ તેમના પરિવારના સભ્યો પણ ઇચ્છતા હતા કે તે ભણે અને સારી નોકરી કરે, પરંતુ દિલીપને હંમેશા ક્રિકેટમાં રસ રહ્યો છે. આ જ કારણે, તેમણે શાળાના બાળકોને ગણિતનું ટ્યુશન આપી મળતા રૂપિયાથી ક્રિકેટનું કોચિંગ કર્યું હતું. આમ ગણિત ભણાવતા શિક્ષક અત્યારે ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચ બન્યા છે.
દિલીપની મહેનત રંગ લાવી
દિલીપે પોતાના સપના પૂરા કરવા માટે ખૂબ મહેનત કરી. તેની મહેનત હવે ફળી છે. આજે તેને કોઈ પરિચયની જરૂર નથી. ટીમ ઈન્ડિયા પહેલા તેણે આર શ્રીધર સાથે NCAમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમને બેઝબોલ કોચ માઈક યંગ સાથે કામ કરવાનો પણ અનુભવ છે.
ટીમ ઈન્ડિયાનું ફીલ્ડિંગ લેવલ વધ્યું
દિલીપની દેખરેખમાં ભારતીય ટીમનું ફીલ્ડિંગ લેવલ વધ્યું છે. મેચ દરમિયાન તે સતત ખેલાડીઓ પર નજર રાખતા જોવા મળે છે. જો ખેલાડીઓ મેદાનમાં ફીલ્ડિંગ કરતી વખતે કોઈ ભૂલ કરે છે, તો તે પ્રેક્ટિસ સેશનમાં તેને સુધારવાનો પ્રયાસ કરે છે. મેચ દરમિયાન તે સતત ખેલાડીઓનું મનોબળ વધારતા જોવા મળે છે.