વિશ્વના અનેક દેશોમાં છેલ્લા કેટલાક સમયથી સામૂહિક ગોળીબાર (Mass Shooting) અને અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં થયેલા તાજા હુમલાઓએ વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થાઓ પર મોટો પ્રશ્નચિહ્ન ઉભો કર્યો છે. ધાર્મિક કાર્યક્રમો, પાર્ટીઓ, નાઇટક્લબ, યુનિવર્સિટી કેમ્પસ અને જાહેર રસ્તાઓ—કોઈ પણ સ્થળ હવે સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યું નથી. અહિંયા વિશ્વની મોટી ગોળીબારીની ઘટનાઓ જેની ગુંજ હજી પણ લોકોના કાનમાં છે.
ઓસ્ટ્રેલિયા: સિડનીના બોન્ડી બીચ પર હનુક્કાહ સમારોહ દરમિયાન આતંકી હુમલો
હાલમાં જ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ ખાતે યહૂદી સમુદાય દ્વારા ઉજવાતાં હનુક્કાહ તહેવાર દરમિયાન સામૂહિક ગોળીબાર થયો. આ હુમલામાં આશરે 10 લોકોના મોત થયા અને 60થી વધુ લોકો ઘાયલ થયા. પોલીસ દ્વારા બે શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુખ્ય શંકાસ્પદ પૈકી એક તેલંગણાના હૈદરાબાદનો વતની હતો, જો કે ભારત સાથે તેનો કોઈ સીધો સંબંધ ન હોવાનું પોલીસએ સ્પષ્ટ કર્યું છે.
અમેરિકા: એક પછી એક માસ શૂટિંગથી દેશ હચમચી ઉઠ્યો
સાઉથ કેરોલિના – લિટલ રિવરમાં ગોળીબાર
રવિવારે રાત્રે લિટલ રિવરમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા. અનેક ઘાયલો ખાનગી વાહનો દ્વારા હોસ્પિટલ પહોંચ્યા હોવાની માહિતી છે.
નોર્થ કેરોલિના – પાર્ટી દરમિયાન ફાયરિંગ
નોર્થ કેરોલિનાના મેક્સટનમાં પાર્ટી દરમિયાન ગોળીબારમાં 2 લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
ન્યૂયોર્ક – ક્વીન્સના નાઇટક્લબમાં ફાયરિંગ
ન્યૂયોર્કના ક્વીન્સ સ્થિત અમેઝુરા નાઇટક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલા ગોળીબારમાં 11 લોકો ઘાયલ થયા. તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
બ્રાઉન યુનિવર્સિટી – કેમ્પસ પર હુમલો
બ્રાઉન યુનિવર્સિટીમાં સામૂહિક ગોળીબારમાં 2 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયા. પરીક્ષાઓ દરમિયાન થયેલી આ ઘટનાને કારણે યુનિવર્સિટી તાત્કાલિક લોકડાઉન પર મૂકાઈ હતી.
મિસિસિપી અને મિશિગન
મિસિસિપીમાં હાઇસ્કૂલ મેચ પહેલા થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત અને 12 ઘાયલ અને મિશિગનના એક ચર્ચમાં ફાયરિંગમાં 4 લોકોના મોત, હુમલાખોર પોલીસ કાર્યવાહીમાં માર્યો ગયો
દક્ષિણ આફ્રિકા: જોહાનિસબર્ગમાં રસ્તા પર ચાલતા લોકો પર ફાયરિંગ
જોહાનિસબર્ગ નજીકના ટાઉનશીપ વિસ્તારમાં પાછળથી રાહદારીઓ પર ગોળીબાર થયો. આ ઘટનામાં 10 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા. આ મહિને દેશની બીજી મોટી સામૂહિક ગોળીબારની ઘટના છે.
વધતી હિંસા અને વૈશ્વિક ચિંતા
આ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે સામૂહિક ગોળીબાર હવે માત્ર એક દેશની સમસ્યા નથી, પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. હથિયારો પર નિયંત્રણ, ઇન્ટેલિજન્સ શેરિંગ અને માનસિક આરોગ્ય અંગે ગંભીર પગલાં લેવાય તે લોકોની માંગ છે.


