આજે વર્લ્ડ મોસ્કીટો ડે છે. ચોમાસામાં સૌથી વધુ મચ્છરજન્ય બીમારીનો પ્રકોપ જોવા મળે છે. મચ્છર કરડવાથી સામાન્ય અને મેલેરિયા જેવી દુર્લભ બીમારીઓ થાય છે. મચ્છરના ડંખને અવગણવામાં આવે તો શરીરમાં તે ગંભીર બીમારીના શિકાર થઈ શકીએ છીએ. એટલે શક્ય બને ત્યાં સુધી મચ્છર કરડે તો તરત જ ઉપચાર કરવો જોઈએ.
જાણો મચ્છર કરડવાથી કઈ દુર્લભ બીમારી થઈ શકે
મેલેરિયા : મચ્છર દ્વારા થતો જંતુજન્ય રોગ છે મેલેરિયા. તે એનોફિલિસ મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. આ એક જીવલેણ રોગ પણ છે. સમસર નિદાન ના થતા દર્દીને મોતનું જોખમ રહે છે. દર્દીમાં જ્યારે અચાનક શરીરમાં ધ્રુજારી થવા લાગે, બહુ ઠંડી લાગે તે મલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત આ બીમારીમાં તાવ, માથાનો દુખાવો, ઉલ્ટી અને ફ્લુ જેવા સામાન્ય લક્ષણો પણ દર્દીમાં જોવા મળે છે.
ડેન્ગ્યુ : ચેપગ્રસ્ત મચ્છરના કરડવાથી ફેલાય ડેન્ગ્યુ બીમારી થાય છે. માદા એડીસ મચ્છર દ્વારા ફેલાય છે આ મચ્છર દિવસના સમયે કરડે છે અને મચ્છર કરડયના 3-14 દિવસ પછી વ્યક્તિમાં આ બીમારીના લક્ષણો દેખાય છે. ડેન્ગ્યુ બીમારી કે જેને “બ્રેકબોન ફીવર” કહેવાય છે તે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી આ બીમારી થાય છે. આ બીમારીમાં દર્દીને તાવને કારણે શરીરમાં ભયંકર દુખાવો થાય છે. આ બીમારીમાં દર્દીના શ્વેતકણો ઘટવા લાગે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
ચિકનગુનિયા : ચેપગ્રસ્ત મચ્છરો દ્વારા મનુષ્યોમાં આ બીમારી ફેલાય છે. મચ્છર કરડ્યાના બે થી બાર દિવસ બાદ ચિકનગુનિયાની બીમારી જોવા મળે છે. આ બીમારીનું સૌથી પ્રાથમિક લક્ષણ સાંધામાં ભારે દુખાવો થાય છે. ચિકનગુનિયામાં સાંધામાં તીવ્ર દુખાવો, તાવ આવવો અને ત્વચા પર ફોલ્લીઓ જોવા મળે છે. ચિકનગુનિયા વાયરસ સામાન્ય રીતે વરસાદની ઋતુમાં વધુ જોવા મળે છે. આ બીમારીમાં દર્દી સારવાર મેળવ્યા બાદ પણ લાંબા સમય સુધી સાંધાના દુખાવાની ફરિયાદ કરે છે. અમુક વ્યક્તિઓમાં આ બીમારી જીવલેણ પણ હોઈ શકે છે.
ફાઇલેરિયાસિસ : ફાઇલેરિયાસિસ બીમારી કે જેને હાથીપગા બીમારી પણ કહે છે. વિવિધ વાહકો દ્વારા ફેલાતા પરોપજીવી નેમાટોડ્સ (રાઉન્ડવોર્મ્સ) ને કારણે આ ફાઇલેરિયલ વાયરસ બીમારી થાય છે. આ બીમારીમાં પગ હાથી જેવા થઇ જાય છે. આ એક પરજીવી રોગ ખાસ કરીને દરિયાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. આ બીમારી યોગ્ય નિદાન અને સારવારના અભાવે વિકલાંગતાનું જોખમ રહે છે.
મચ્છર કરડવાથી આ વાયરસનું જોખમ
ભારતના કેટલાક દક્ષિણ રાજ્યોમાં મચ્છર કરડવાથી વેસ્ટ નાઇલ વાયરસ બહુ ઓછા કેસ નોંધાયા છે. જયારે ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં જાપાનીઝ એનસેફેલાઇટિસના દર્દીઓ જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દક્ષિણ ભારતમાં ઝીકા વાયરસના કેસ વધુ નોંધાયા છે. મચ્છર કરડવાથી આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં યેલો ફીવરની બીમારી અને યુરોપ અને અમેરિકાના કેટલાક ભાગોમાં ટુલારેમિયા જેવી દુર્લભ બીમારી જોવા મળે છે. આ બીમારી ભારતમાં હજુ સુધી જોવા મળી નથી.