- અફઘાનિસ્તાનમાં ભારે વરસાદે કેર વર્તાવ્યો
- કાબુલ અને અન્ય પ્રાંતોમાં અચાનક પૂરથી ભારે નુકસાન
- આગામી સમયમાં સ્થિતિ વધુ કથળશે તેવી હવામાન વિભાગની આગાહી
અફઘાનિસ્તામાં ભારે વરસાદે રૌદ્વ રૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદથી અચાનક પૂર આવતા વિનાશ વેરાયો છે. પૂરને લીધે ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયા હતા જ્યારે 27 લોકો ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. તાલિબાન પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે રાજધાની કાબુલ અને અન્ય પ્રાંતોમાં અચાનક પૂર આવી જતા ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
વરસાદે વિનાશ સર્જ્યો હતો
અબ્દુલ્લા જનાને જણાવ્યું હતું કે પૂરને કારણે 600 થી વધુ મકાનો કાં તો નાશ પામ્યા છે અથવા નુકસાન થયું છે. વરસાદના કારણે 200 જેટલા પશુઓનાં મોત થયા છે. SAC એ જણાવ્યું હતું કે પૂરને કારણે 800 હેક્ટર ખેતીની જમીન પણ નાશ પામી છે અને 85 કિલોમીટરથી વધુ રસ્તાઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે પૂરના કારણે પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંધાર પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે. હાલમાં અફઘાનિસ્તાનમાં વરસાદથી રાહતના કોઈ સંકેત દેખાતા નથી. હવામાન વિભાગે અફઘાનિસ્તાનના મોટાભાગના 34 પ્રાંતોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.
હવામાન ખરાબ થઈ રહ્યું છે
આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં કુદરતી આફતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ ફેબ્રુઆરીમાં પૂર્વી અફઘાનિસ્તાનમાં ભારે હિમવર્ષાને પગલે ભૂસ્ખલનમાં 25 લોકોના મોત થયા હતા. જ્યારે માર્ચમાં ત્રણ સપ્તાહના વરસાદમાં લગભગ 60 લોકોનાં મોત થયા હતા. યુનાઈટેડ નેશન્સે ગયા વર્ષે ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાં ભારે હવામાન પરિસ્થિતિઓમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનની પેટર્ન બગડી રહી છે.


