- નારાયણી નદીમાં પાણીનું સ્તર ચેતવણીના સ્તરથી ઉપર
- ગંડક બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા
- કુદરતી આફતના કારણે 62 લોકોના મોત
હજી તો બસ ચોમાસાની શરૂઆત જ થઈ છે. ત્યારે નેપાળમાં છેલ્લા ચાર અઠવાડિયામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 62 લોકોના મોત થયા છે અને 90 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, આ ચોમાસા સબંધિત મોતના કારણો ભૂસ્ખલન, પૂર અને વીજળી છે. અત્યાર સુધીમાં ભૂસ્ખલનના કારણે 34 લોકોના મોત થયા છે. જ્યારે અવિરત વરસાદને કારણે આવેલા પૂરને લીધે 28 લોકોના મોત થયા છે. સાથે જ અન્ય કુદરતી આફતોના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે.
લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો આદેશ
ભારે વરસાદ અને ત્યારબાદ પૂર અને ભૂસ્ખલનથી પણ જાનમાલને નોંધપાત્ર નુકસાન થયું છે. ત્યારે ઓછામાં ઓછા 121 મકાનો ડૂબી ગયા છે અને 82 અન્યને નુકસાન થયું છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ દ્વારા તમામ રાજ્ય એજન્સીઓને ચોમાસાના પૂર, ભૂસ્ખલન અને પૂરથી પ્રભાવિત લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્ય એજન્સીઓને બચાવ અને રાહત માટે આદેશ
નેપાળના વડાપ્રધાને તમામ રાજ્ય એજન્સીઓને આ કુદરતી આફતોથી પ્રભાવિત નાગરિકો માટે બચાવ અને રાહત પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ આપ્યો હતો. સાથે જ તેમણે તમામ નાગરિકોને સંભવિત આપત્તિઓ પ્રત્યે સતર્ક રહેવા વિનંતી કરી અને રાજકીય પક્ષો, નાગરિક સમાજ અને સામાજિક સંસ્થાઓને આપત્તિના જોખમોને ઘટાડવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સહકાર આપવા જણાવ્યું હતું.
કોસી બેરેજના 41 દરવાજા ખોલવામાં આવ્યા
મળતી માહિતી અનુસાર, નારાયણી નદીમાં પાણીનું સ્તર ચેતવણીના સ્તરથી ઉપર પહોંચ્યા બાદ ગંડક બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગંડક બેરેજમાં સવારે 7 વાગ્યે પાણીનો પ્રવાહ 440,750 ક્યુસેક માપવામાં આવ્યો હતો. સપ્તકોશી જળ માપન કેન્દ્રને ટાંકીને સમાચારમાં જણાવાયું છે કે પાણીનો પ્રવાહ ચેતવણીના સ્તર સુધી વધ્યા બાદ કોસી બેરેજના 41 દરવાજા ખોલવામાં આવ્યા છે.


