- સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગત રોજ ‘ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસ’નો રિપોર્ટ રજૂ કર્યો
- દક્ષિણ સુડાન, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખથી મરી રહ્યાંનો દાવો
- ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ યથાવત્ છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનોએ ગત રોજ એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. જે પ્રમાણે વર્ષ-2023માં 59 દેશોના આશરે 28.2 કરોડ લોકો ભૂખથી તરફડિયાં મારવા મજબૂર થઈ રહ્યાં છે. યુદ્ધગ્રસ્ત ગાઝામાં સૌથી વધુ લોકો દુષ્કાળની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. યુનોએ ગત રોજ ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસમાં આ અંગેની જાણકારી આપી છે. વર્ષ-2022માં 2.4 કરોડથી વધુ લોકો ખાવાની સામગ્રીની અછત વેઠી રહ્યા છે. જેના લીધે ગાઝા પટ્ટી અને સુડાનમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ કથળી ગઈ છે. ખાદ્ય સંકટ ધરાવતા દેશોની સંખ્યામાં સતત વધારો થયો છે. જેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ભૂખનો માપદંડ નક્કી કરાયો
યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટોરેરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભૂખમરોનું પ્રમાણ નક્કી કર્યું છે જે પાંચ દેશોમાં 705,000 લોકોને સ્ટેજ પાંચમાં મૂકે છે, જે ઉચ્ચતમ સ્તર માનવામાં આવે છે. તેમણે કહ્યું કે આ સંખ્યા 2016માં વૈશ્વિક અહેવાલની શરૂઆતથી સૌથી વધુ છે અને 2016માં નોંધાયેલી સંખ્યાની સરખામણીમાં ચાર ગણી વધી છે.
ભૂખને લીધે લોકો તરફડી રહ્યાં છે
જાણીતા અર્થશાસ્ત્રી અનુસાર ગંભીર દુષ્કાળનો સામનો કરી રહેલા લોકોમાંથી 80 ટકા લોકો એટલે કે 577,000 માત્ર ગાઝામાં છે. જ્યારે દક્ષિણ સુડાન, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખથી મરી રહ્યાં છે. અહીં મદદ પહોંચાડવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
હજી આગામી સમયમાં સ્થિતિ કથળશે
રિપોર્ટમાં ભવિષ્યના દ્રશ્યનું અનુમાન લગાવ્યું છે. કે ગાઝામાં આશરે 11 લાખ લોકો અને દક્ષિણ સુડાનમાં 79 હજાર લોકો જુલાઈ સુધી પાંચમા તબક્કામાં પહોંચી શકે છે અને દુષ્કાળનો સામનો કરવા મજબૂર થઈ શકે છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ યથાવત્ છે. રિપોર્ટ પ્રમાણે સંઘર્ષને લીધે હૂતીમાં ખાદ્ય અસુરક્ષા વધશે.


