જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ સુધી, દરેક વ્યક્તિ પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આખો દેશ એક સ્વરમાં ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ને ભારતમાં ભેળવવાનો સમય આવી ગયો છે.
ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કઠિન નિર્ણયોથી પાકિસ્તાન ડરી ગયું છે. દરમિયાન, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં, સ્થાનિક વહીવટીતંત્રે સરહદ નજીક રહેતા લોકોને બે મહિના માટે ખાદ્ય પદાર્થોનો સ્ટોક કરવા અપીલ કરી છે.સમાચાર એજન્સી AFPના અહેવાલ મુજબ, PoKના વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે વિધાનસભામાં જણાવ્યું હતું કે 13 મતવિસ્તારોમાં બે મહિના માટે ખાદ્ય પુરવઠો સંગ્રહિત કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
આ 13 મતવિસ્તારોમાં ખોરાક, દવાઓ અને અન્ય તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે 1 અબજ રૂપિયાનું ઇમરજન્સી ફંડ પણ બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા પાસેના વિસ્તારોમાં રસ્તાઓની જાળવણી માટે સરકારી અને ખાનગી મશીનરી પણ તૈનાત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાને આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તેની પાસે વિશ્વસનીય પુરાવા છે કે ભારત હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ડરને કારણે, પીઓકેમાં પાકિસ્તાની અધિકારીઓએ ગુરુવારે (1 મે, 2025) 10 દિવસ માટે 1000 થી વધુ ધાર્મિક શાળાઓ બંધ કરી દીધી છે.