પોર્ટુગલ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે અધિકારીઓએ દરિયામાં એક સેમિ સબમર્સિબલ સબમરીનને આંતરીને 6.5 ટન કોકેનનો જથ્થો જપ્ત કર્યો હતો.
અઝોરેસ ક્ષેત્રમાં જપ્ત થયેલી આ સબમરીન આઇબેરિયન ટાપુ તરફ આવી રહી હતી. પોર્ટુગલે નાણાકીય વર્ષ 2024 દરમિયાન કુલ 23 ટન કોકેન જપ્ત કર્યું છે. મંગળવારે જપ્ત થયેલા જથ્થાનો પણ તેમાં સમાવશ થાય છે. પોર્ટુગલ યુરોપમાં દાણચોરી રાહે ઘૂસતા ડ્રગનું પ્રવેશદ્વાર છે. ડ્રાગ દાણચોરો હવે સેમિ સબમરીનનો ઉપયોગ કરતા થયા છે. તેને ઘણીવાર નાર્કો સબમરીન્સ પણ કહેવામાં આવે છે. દાણચોરી કરતી વખતે ઝડપાઈ ના જવાય તે હેતુસર આ સેમિ સબમરીનનો ઉપયોગ થવા લાગ્યો છે. પોર્ટુગલ કાંઠાથી 500 નોટિકલ માઇલના અંતરે એટલાન્ટિક સમુદ્રમાં સેમિ સબમરીનને આંતરીને કોકેનનો આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતી સેમિ સબમરીનમાંથી પાંચ ખલાસી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પોર્ટુગલ નૌકાદળ અને વાયુસેના ઉપરાંત અમેરિકી ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી, બ્રિટિશ નેશનલ ક્રાઇમ એજન્સી તેમ જ સ્પેનિશ દળોએ પણ ડ્રગ જપ્તીમાં મોટું પ્રદાન કરેલું છે.


