વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું છે. સાઉથ આફ્રિકા ટીમે 27 વર્ષ બાદ કોઈ ICC ટ્રોફી જીતી છે. આ સાઉથ આફ્રિકા માટે ગર્વની ક્ષણ છે.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચમાં જ્યાં પહેલા અને બીજા દિવસની મેચ જોઈને લાગતું હતું કે આ મેચ ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે, ત્યારે જ સાઉથ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન એડન માર્કરામે આ મેચની સ્થિતિ જ બદલી નાખી.
એડન માર્કરામે મેચના ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારી. સેન્ચુરી ફટકાર્યા બાદ એડન માર્કરામ ક્રીઝ પર રહ્યો અને ટીમની જીત નિશ્ચિત કરી દીધી, પરંતુ તે વિનિંગ શોટ રમી શક્યો નહીં.
એડન માર્કરામે ફટકારી શાનદાર સદી
સાઉથ આફ્રિકા ટીમના ઓપનિંગ બેટ્સમેન એડન માર્કરામે બીજી ઈનિંગમાં સમજદારી પૂર્વક બેટિંગ કરી અને ટીમને જીતની નજીક લઈ ગયો. એડન માર્કરામે 207 બોલમાં 136 રનની ઈનિંગ રમી. આ મેચ વિનિંગ ઈનિંગમાં એડન માર્કરામે 14 ચોગ્ગા ફટકાર્યા અને તેને WTC ફાઈનલ મેચને પોતાની ટીમના પક્ષમાં કરી દીધી. પરંતુ પોતાની ટીમ માટે એડન માર્કરામ વિનિંગ શોટ રમી શક્યો નહીં.
એડન માર્કરામની શાનદાર ઈનિંગે જીત્યું ફેન્સનું દિલ
એડન માર્કરામ WTC ફાઈનલની પહેલી ઈનિંગમાં ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. પરંતુ બીજી ઈનિંગમાં માર્કરામે એવું કર્યું કે જેને સાઉથ આફ્રિકાની ટીમ ક્યારેય ભૂલી શકશે નહીં. એડન માર્કરામે સદીની ઈનિંગ સાથે સાઉથ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જીત પણ અપાવી.
એડન માર્કરામની સાથે દેશ માટે પણ આ ગર્વની ક્ષણ છે. એડન માર્કરામે ફાઈનલમાં આ સદી સાથે ઈતિહાસ રચ્યો. એડન માર્કરામ સાથે સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ પણ ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ટેમ્બા બાવુમાએ 134 બોલમાં 66 રનની અડધી સદીની ઈનિંગ રમી.