- પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડનો 172 રનથી પરાજય
- ઓસ્ટ્રેલિયન ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી
- WTC પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડને પડ્યો ફટકો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 172 રનથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેમરન ગ્રીને બેટિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું અને તેના કારણે જ ઓસ્ટ્રેલિયન ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. તેણે મેચમાં 174 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતથી ભારતીય ટીમને મોટો ફાયદો થયો છે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે અને ન્યુઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે.
WTC પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન
ઓસ્ટ્રેલિયા સામેની મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન ગુમાવ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમે નંબર-1નો તાજ હાંસલ કર્યો છે. હાર સાથે ન્યુઝીલેન્ડના પોઈન્ટ્સ ઘટીને 60 ટકા થઈ ગયા છે. ભારતીય ટીમના 64.58 પોઈન્ટ છે. પરંતુ જીત બાદ પણ ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા નંબર પર યથાવત છે. ટીમના પોઈન્ટસ 59.09 ટકા છે.
ઈંગ્લેન્ડ સામે જોરદાર પ્રદર્શન
ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025માં અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાંથી ટીમે પાંચમાં જીત મેળવી છે અને 2 મેચ હારી છે. એક ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ રમી રહી છે. ભારતે સીરિઝમાં પહેલાથી જ 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. WTC પોઈન્ટ ટેબલમાં નંબર વન પર રહેવા માટે ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમે WTC 2023-25માં 5 મેચ રમી છે, જેમાંથી ટીમે ત્રણમાં જીત મેળવી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ન્યુઝીલેન્ડની કારમી હાર
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 383 રન બનાવ્યા હતા. ટીમ માટે કેમરૂન ગ્રીને 174 રનની ઇનિંગ રમી હતી. મિચેલ માર્શે 40 રનનું યોગદાન આપ્યું હતું. જોસ હેઝલવુડે 22 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 369 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 196 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


