ભારતમાં વોટર ટર્નઆઉટ માટે ચિહ્નિત 2.1 કરોડ ડોલરના ભંડોળને રદ્દ કરવાના અમેરિકન સરકારના દક્ષતા વિભાગના નિર્ણય બાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું હતું કે ભારત એક વિકસતું અર્થતંત્ર છે અને તેને વોટર ટર્નઆઉટ વધારવા માટે આર્થિક સહાયતાની આવશ્યકતા નથી.
તેમણે જણાવ્યું હતું કે તેઓ ભારત અને ભારતના વડાપ્રધાનનું સમ્માન કરે છે. મંગળવારે માર એ લોકોમાં કાર્યકારી આદેશો પર સહી કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આપણે ભારતને 2.1 કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે તો ઘણા બધા નાણાં છે. તેઓ દુનિયામાં સૌથી વધુ ટેક્સ લગાવનારા દેશોમાના એક છે. આપણે ભાગ્યે જ તેમની પાસે પહોંચી શકીએ છીએ કેમ કે તેમના ટેરિફ ખૂબ વધારે છે. પણ સવાલ એ છે કે વોટર ટર્નઆઉટ માટે આપણે તેમને 2.1 કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ?
ભાજપે આ સહાયને વિદેશના હસ્તક્ષેપ સમાન ગણાવી હતી
નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીએ એલન મસ્કની આગેવાની હેઠળના અમેરિકન સરકારના દક્ષતા વિભાગે 16 ફેબ્રુઆરીએ ભારતમાં વોટર ટર્નઆઉટ માટેના 2.1 કરોડ ડોલરના ભંડોળને રદ્દ કરી દીધું હતું. ભારતીય જનતા પાર્ટીના અમિત માલવિયાએ મસ્કના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે મતદાતા મતદાન માટે 2.1 કરોડ ડોલરની સહાય…આ બાબત નિશ્ચીત રૂપથી ભારતીય ચૂટણી પ્રક્રિયામાં બહારનો હસ્તક્ષેપ છે. આ સહાયની મદદ લઈને કોણ લાભ પ્રાપ્ત કરતું હતું? સત્તારૂઢ પક્ષને તો નિશ્ચીત રૂપથી કોઈ લાભ થયો નથી. અત્રે નોંધનીય છે કે અમેરિકન વિભાગ દ્વારા રદ્દ કરવામાં આવેલા અન્ય સહાય ધનભંડોળમાં મોઝામ્બિક સ્વૈચ્છિક ચિકિત્સા પુરુષ ખતના માટે એક કરોડ અમેરિકન ડોલરની સહાયનો પણ સમાવેશ કરાયો હતો.


