અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબી (રેસિપ્રોકલ) ટેરિફ મામલે હવે ઘરઆંગણે પણ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ટ્રમ્પના અગ્રણી સમર્થકો પૈકી એક એવા હેજ ફંડ મેનેજર, અબજોપતિ બિલ એકમેને હવે તેમના પર નિશાન સાધ્યું છે.
એકમેને જણાવ્યું છે કે જવાબી ટેરિફના કારણે અમેરિકાની આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાખ જોખમમાં છે. તેમણે દાવો કર્યો કે ટ્રમ્પ સરકારે ટેરિફની ગણતરી કરવા માટે જે ફોર્મ્યૂલાનો ઉપયોગ કર્યો તે ખોટી છે, જેના કારણે ટેરિફ વાસ્તવિકતાથી ચાર ગણા વધારે દેખાયા. એકમેને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ટ્રમ્પ અર્થશાસ્ત્રી નથી. નીતિઓ ઘડવા સંબંધી ગણતરીઓ માટે તેઓ પોતાના સલાહકારો પર નિર્ભર છે. ખરાબ ગણિતને કારણે વૈશ્વિક અર્થતંત્ર નીચું જઇ રહ્યું છે. એકમેને ઉમેર્યું હતું કે વ્યાપાર વિશ્વાસનો ખેલ છે. ટ્રમ્પે તે વિશ્વાસનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેઓ દુનિયાભરના વ્યાપારિક નેતાઓનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. આપણા દેશ અને આપણા કરોડો નાગરિકો માટે જવાબી ટેરિફના પરિણામ ગંભીર રીતે નકારાત્મક હશે. અમે આ બધા માટે વોટ નહોતો આપ્યો.
જેપી મોર્ગન ચેઝના CEOએ પણ મંદીની ચેતવણી આપી
જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના સીઇઓ જેમી ડિમોને પણ મંદીના જોખમની ચેતવણી આપી છે. કંપનીના શેરધારકોને લખેલા વાર્ષિક પત્રમાં તેમણે અમેરિકાના નજીકના સાથી દેશો જોડે વ્યાપાર સોદાઓની કમીનો ઉલ્લેખ કર્યો. તેમણે સૂચન કર્યું કે અમેરિકાએ ભારત જેવા દેશો સાથે મજબૂત વ્યાપાર સંબંધો વિકસાવવા જોઇએ. રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝે પણ ચેતવણી આપી કે જો અમેરિકા મંદીમાં ધકેલાશે તો 2026માં રાજકીય સ્થિતિ ખરાબ થઇ જશે.


