- રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડાબેટમાં, PMનાં સંબોધનનું જીવંત પ્રસારણ
- 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે
- યોગ દિવસની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે કરાશે
આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે કરાશે, ગુજરાતમાં બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે પ્રસિદ્ધ નડાબેટ ખાતે કરાશે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મહાનુભાવો સાથે 2,500 જેટલા યોગ સાધકો કાર્યક્રમમાં જોડાશે.
રાજ્યભરમાં આઠ મહાનગર પાલિકાઓ, 32 જિલ્લાઓ તથા 251 તાલુકા અને 20 નગરપાલિકા એમ કુલ 312 મુખ્ય સ્થળોએ આ યોગ દિનની ઉજવણી કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ આ માહિતી આપી હતી.
સરકારના પ્રવકતા મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 કલાકે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે શ્રીનગર ખાતેથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રેરક સંબોધન કરશે, તેનું ગુજરાત રાજ્યમાં જીવંત પ્રસારણ કરાશે. સવારે 7થી 7.45 સુધી એટલે કે 45 મિનિટ સવા કરોડ લોકો સામાન્ય યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે. ગુજરાતમાં બાળકોમાં યોગાભ્યાસને વધુ પ્રચલિત બનાવવા સમર કેમ્પ યોજીને 200થી વધુ સ્થળોએ યોગ સંસ્કાર શિબિરનો 22 હજારથી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024માં મોઢેરા ખાતે 108 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે સુરત વેસુ ખાતે 1.53 લાખ લોકોએ એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જ્યો હતો.


