યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિ માટે વ્લાદિમિર પુતિન સમક્ષ યુદ્ધકેદીઓની અદલાબદલી માટે દરખાસ્ત મૂકી છે.
યૂક્રેન-રશિયા યુદ્ધને ત્રણ વર્ષ પૂરા થવા પર કીવમાં એક શિખર સંમેલનને સંબોધતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ યૂક્રેનના તમામ સૈનિકો અને નાગરિકોને મુક્ત કરવા જોઇએ. તેના બદલામાં યૂક્રેન પણ તમામ રશિયન યુદ્ધકેદીઓને મુક્ત કરવા તૈયાર છે. યુદ્ધ સમાપ્તિ માટેની શરૂઆત માટે આ યોગ્ય પદ્ધતિ બની રહેશે. ઓક્ટોબર, 2024માં રશિયા અને યૂક્રેને સંયુક્ત આરબ અમીરાતની મધ્યસ્થી સાથે 95-95 યુદ્ધકેદીઓને મુક્ત કર્યા હતા. યૂક્રેનની સંસદના માનવ અધિકાર કમિશનર દિમિત્રો લુબિનેટ્સે કહ્યું હતું કે વર્ષ 2022માં યુદ્ધ શરૂ થયા પછી બંને દેશોએ તે 58મી વાર યુદ્ધકેદીઓની અદલાબદલી કરી હતી.
તે પહેલાં સપ્ટેમ્બર મહિનામાં પણ બંને દેશોએ 103-103 યુદ્ધકેદીઓની અદલાબદલી કરી હતી. ઝેલેન્સ્કીએ યુદ્ધની ત્રીજી વર્ષ ગાંઠે રશિયન આક્રમણનો બહાદુરી પુર્વક પ્રતિકાર કરવા બદલ યૂક્રેનના લોકોની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યૂક્રેન પર હુમલો કરી દીધો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઝેલેન્સ્કીએ એક દિવસ પહેલાં રવિવારે જણાવ્યું હતું કે તેમના દેશને જો નાટોનું સભ્યપદ આપવામાં આવે તો યૂક્રેનના પ્રમુખ તરીકે તરત પદ છોડી દેવા તેઓ તૈયાર છે. કીવમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે,’મારા રાજીનામાથી યૂક્રેનમાં શાંતિ સ્થપાતિ હોય તો હું પદ છોડવા તૈયાર છું. યૂક્રેનને નાટોનું સભ્યપદ મળે તે પછી તરત પ્રમુખપદ છોડવા તૈયાર છું.’ ઝેલેન્સ્કીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાની આક્રમક નીતિ સમજીને રશિયન આક્રમકતા સામે યૂક્રેનને સુરક્ષાની ગેરંટી આપવા અનુરોધ પણ કર્યો હતો.


