શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવાથી ભૌતિક સુખ મળે છે તથા મનુષ્યને મોક્ષ મળે છે. શિવપુરાણ અનુસાર શિવલિંગ પર અન્ન, ફૂલ તથા વિવિધ વસ્તુઓ દ્વારા જળાભિષેક કરીને મનુષ્ય પોતાનાં કષ્ટોનું નિવારણ કરી શકે છે. વિવિધ ઈચ્છાઓ પૂરી કરવા શિવજીને કેવાં ફૂલ અર્પણ કરવાં તે જાણીએ.
લક્ષ્મીપ્રાપ્તિ માટે ભગવાન શિવને બીલીપત્ર, કમળ તથા શંખપુષ્પ અર્પણ કરવાથી લાભ થાય છે.
સંતાનપ્રાપ્તિ માટે ભગવાન શિવને ધતુરાનાં ફૂલ અર્પણ કરવાથી શુભ ફળ મળે છે.
ભૌતિક સુખ તથા મોક્ષપ્રાપ્તિ માટે સફેદ આકડો, અપામાર્ગ તથા સફેદ કમળનાં ફૂલ ભગવાન શિવને ચઢાવવા જોઈએ.
વાહનસુખ મેળવવા માટે ચમેલીનાં ફૂલ શિવજીને ચઢાવવાં. તેનાથી ઉત્તમ વાહન પ્રાપ્તિના યોગ સર્જાય છે.
વિવાહસુખમાં આવનારી બાધાઓને દૂર કરવા માટે વેલ પર આવતાં ફૂલ ભોળાનાથને અર્પણ કરવાં. તેનાથી ઉત્તમ પત્ની મળે છે તથા કન્યા ફૂલ ચઢાવે તો તેને મનોવાંછિત પતિ મળે છે.
જૂહીનાં ફૂલ ભગવાન શિવને અર્પણ કરવાથી ક્યારેય અન્નનો અભાવ રહેતો નથી.
વિવિધ અભિષેક
વંશવૃદ્ધિ માટે શિવલિંગ પર ઘીનો અભિષેક શુભ ફળદાયી હોય છે.
ભૌતિક સુખ-સાધનોમાં વૃદ્ધિ માટે શિવલિંગ પર સુગંધિત દ્રવ્યથી અભિષેક કરવો.
રોગમાંથી છુટકારો મેળવવા માટે મહામૃત્યુજય મંત્રનો જાપ કરતાં કરતાં મધથી શિવલિંગ પર અભિષેક કરવો. થોડા જ સમયમાં રોગમાંથી મુક્તિ મળી જશે.
રોજગારમાં વૃદ્ધિ માટે ગંગાજળ તથા મધથી અભિષેક કરવાથી લાભ થાય છે.
માનસિક અશાંતિ તથા માનસિક નબળાઈને દૂર કરવા માટે શિવલિંગ પર જળ અથવા દૂધના મિશ્રણનો અભિષેક કરવો.
પારિવારિક અશાંતિના નિવારણ માટે શિવલિંગ પર માત્ર દૂધથી અભિષેક કરવો.
કષ્ટો તથા દુ:ખ દૂર કરવા માટે શિવલિંગ પર દૂધ અને ત્યારબાદ પાણીનો અભિષેક કરવો.
એવું માનવામાં આવે છે કે બધી જ સામગ્રીઓથી કરવામાં આવેલ અભિષેક કરતાં ગંગાજળથી કરવામાં આવેલ અભિષેક શ્રેષ્ઠ ફળ પ્રદાન કરે છે. ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરવાથી ચારેય પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શિવ ઉપાસનાનું મહત્ત્વ
ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવને જગતના પિતા જણાવાયા છે, કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી તથા પૂર્ણ બ્રહ્મ છે. હિન્દુ સંસ્કૃતિમાં શિવને મનુષ્યના કલ્યાણના પ્રતીક માનવામાં આવે છે. શિવ શબ્દના ઉચ્ચારણ અથવા ધ્યાનમાત્રથી મનુષ્યને પરમ આનંદ મળે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિને દર્શન જ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરનારા દેવ છે. તેથી જ અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૂપમાં હોવા છતાં પણ શિવલિંગના રૂપમાં સાકાર મૂર્તિપૂજા થાય છે.
ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે જેમને ભોલે ભંડારી કહેવામાં આવે છે. ભગવાન શિવ થોડી પૂજાથી પણ જલદી પ્રસન્ન થઈ જાય છે. મનુષ્ય જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. ભગવાન શિવનો સતો ગુણ, રજો ગુણ અને તમો ગુણ એમ ત્રણેય પર સમાન અધિકાર છે. શિવજી પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરીને શશિ શેખર કહેવાયા. ચંદ્ર સાથે શિવજીને વિશેષ સ્નેહ હોવાને કારણે ચંદ્ર સોમવારના અધિપતિ છે, તેથી જ શિવજીને સોમવાર પ્રિય છે. શિવજીની પૂજા-અર્ચના સોમવારે કરવાથી વિશેષ કૃપા મળે છે.
– સુખદેવ આચાર્ય
શિવલિંગના વિવિધ પ્રકાર
શિવલિંગનું પૂજન કરવાથી શિવજીની કૃપા મળે છે. શિવલિંગનું નિર્માણ વિવિધ વસ્તુઓમાંથી કરવામાં આવે છે અને તેનું પૂજન વિશેષ પ્રકારના લાભ આપે છે. મહાશિવરાત્રિએ વિવિધ પ્રકારનાં શિવલિંગ પૂજનથી વિશેષ લાભ થાય છે.
માટીના શિવલિંગનું પૂજન તમામ પ્રકારનાં સુખ પ્રદાન કરે છે.
મીસરીમાંથી બનાવેલા શિવલિંગનું પૂજન કરવાથી રોગોનો નાશ થાય છે અને સમસ્ત પ્રકારનાં સુખ મળે છે.
ફૂલોમાંથી બનાવેલા શિવલિંગનું પૂજન કરવાથી જમીન-મકાન જેવી સંપત્તિ મળે છે અથવા તેમાં વૃદ્ધિ થાય છે.
જવ, ઘઉં અને ચોખાને સરખા ભાગે લઈને તેનો લોટ બનાવીને તેમાંથી શિવલિંગ બનાવી પૂજા કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને સંતાન રોગમુક્ત રહે છે.
યજ્ઞની ભસ્મમાંથી બનાવેલા શિવલિંગની પૂજાથી અભીષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
દહીંમાંથી બનાવેલા (દહીંને કપડામાં બાંધી રાખી શિવલિંગ બનાવવું) શિવલિંગના પૂજનથી ધનપ્રાપ્તિ થાય છે.
ગોળમાંથી બનેલા શિવલિંગમાં અનાજ ચોંટાડીને શિવલિંગ બનાવવું. આ શિવલિંગની પૂજાથી ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે.
કપૂરમાંથી બનાવેલા શિવલિંગનું પૂજન કરવાથી દુ:ખ તથા કષ્ટોનો નાશ થાય છે.
સ્ફટિકના શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મોતીમાંથી બનાવેલા શિવલિંગનું પૂજન સ્ત્રીઓના સૌભાગ્યમાં વૃદ્ધિ કરે છે.
સુવર્ણના શિવલિંગનું પૂજન કરવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ચાંદીના શિવલિંગનું પૂજન કરવાથી ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
પીપળાના લાકડામાંથી બનાવેલા શિવલિંગનું પૂજન કરવાથી દરિદ્રતા દૂર થાય છે.