- RCBએ પ્રથમ બેટિંગ કરતા 131 રન બનાવ્યા
- MIએ 15.1 ઓવરમાં હાંસલ કર્યું આ લક્ષ્ય
- આ સીઝનમાં આરસીબીની આ બીજી હાર છે
વુમન્સ પ્રીમિયર લીગની નવમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હરનપ્રીત કૌર આ મેચમાં રમતી જોવા નહીં મળે. તેના સ્થાને નેટ સિવર બ્રન્ટ ટીમની કમાન સંભાળતી જોવા મળી હતી.
મુંબઇની 7 વિકેટે જીત
કેપ્ટન હરમનપ્રીતની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે RCBને 7 વિકેટે હરાવ્યું હતું. એમેલિયા કારની તોફાની ઇનિંગ્સના બળ પર, MIએ મંધાનાની ટીમને 29 બોલ બાકી રાખીને હરાવ્યું. આ સિઝનમાં RCB સામે મુંબઈની આ પ્રથમ જીત છે. આ પહેલા ગત સિઝનમાં મુંબઈએ આરસીબીને બે વખત હરાવ્યું હતું. આ સીઝનમાં આરસીબીની આ બીજી હાર છે.
RCBની ઇનિંગ
વિમેન્સ પ્રીમિયર લીગની નવમી મેચમાં, સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમે પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ સામે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન એલિસ પેરી અને જ્યોર્જિયા વેરહેમ વચ્ચે 52 રનની ભાગીદારી થઈ હતી. મુંબઈ સામે આરસીબીની શરૂઆત ખાસ રહી ન હતી. બેટિંગમાં ઓપનિંગ કરવા આવેલી કેપ્ટન સ્મૃતિ મંધાના નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમને બીજો ફટકો સબીનેની મેઘનાના રૂપમાં લાગ્યો હતો, જે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી હતી અને 11 રન બનાવી શકી હતી. ત્રીજી હિટ સોફી ડિવાઈનના રૂપમાં આવી જે 10 બોલમાં નવ રન બનાવી શકી હતી.
આ મેચમાં રિચા ઘોષે સાત રન, સોફી મોલિનેક્સે 12 રન અને જ્યોર્જિયા વેરહેમે 27 રન બનાવ્યા હતા. એલિસ પેરી 38 બોલમાં 44 રન અને શ્રેયંકા પાટિલ પાંચ બોલમાં 7 રન બનાવીને અણનમ રહી હતી. મુંબઈ તરફથી નેટ સિવર બ્રન્ટ અને પૂજા વસ્ત્રાકરે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે ઈસી વોંગ અને સાયકા ઈશાકને એક-એક સફળતા મળી હતી.


