યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ટાઈ રહી. બંને ટીમો નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 180 રન જ બનાવી શકી. આ રોમાંચક મેચમાં યુપીને છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી, પરંતુ રેણુકા ઠાકુરે છેલ્લા બોલ પર કીર્તિ ગૌરને આઉટ કરી દીધી.
આ રીતે, મહિલા પ્રીમિયર લીગના ઈતિહાસમાં પ્રથમ સુપર ઓવર જોવા મળી. સુપર ઓવરમાં, યુપીએ પ્રથમ બેટિંગ કરી અને 8 રન બનાવ્યા, જ્યારે જવાબમાં આરસીબી ફક્ત 4 રન બનાવી શક્યું અને સુપર ઓવરમાં 4 રનથી મેચ હારી ગયું.
ટાઈ થઈ મેચ
આ મુકાબલામાં, RCB એ પ્રથમ બેટિંગ કરી અને 180 રન બનાવ્યા. બેંગ્લુરૂ માટે, કેપ્ટન સ્મૃતિ મંધાના વહેલી આઉટ થઈ ગઈ, પરંતુ એલિસ પેરી અને ડેનિયલ વ્યાટ-હોજે યુપીના બોલરોને નતમસ્તક કર્યા. એલિસ પેરીએ 56 બોલમાં 90 રનની ઈનિંગ રમી, જે દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેની સાથે, વ્યાટે 57 રન બનાવ્યા. આ રીતે RCB એ પહેલા રમતા 180 રન બનાવ્યા.
યુપી વોરિયર્સને 181 રનનો લક્ષ્યાંક મળ્યો. ટીમનો કોઈ પણ ખેલાડી ફિફ્ટી ફટકારી શક્યો નહીં, પરંતુ કેપ્ટન દીપ્તિ શર્માની 13 બોલમાં 25 રનની ઝડપી ઈનિંગ અને તેના સિવાય શ્વેતા સેહરાવતે પણ 31 રનનું યોગદાન આપ્યું. છેલ્લી ઓવરોમાં, સોફી એક્લેસ્ટોને 19 બોલમાં 33 રન બનાવ્યા અને સાઈમા ઠાકુરે પણ ઝડપી 14 રન બનાવીને યુપીને મેચ ટાઈ કરવામાં મદદ કરી.
સુપર ઓવરનો રોમાંચ
યુપીની ઈનિંગ – યુપી વોરિયર્સે પહેલા બે બોલમાં બે રન બનાવ્યા. એક બોલ વાઈડ હતો, પણ વિકેટ ઓવરના ત્રીજા બોલ પર આવી ગઈ. ચોથો બોલ ડોટ હતો. પાંચમા બોલ પર એક રન, પરંતુ કિમ ગાર્થે તે પછી ફરીથી વાઈડ બોલ ફેંક્યો. છેલ્લા બોલ પર બીજો રન આવ્યો, જેની સાથે યુપીને સુપર ઓવરમાં 8 રન મળ્યા.
RCB ની ઈનિંગ – UP એ બોલિંગ માટે વિશ્વની નંબર વન બોલર સોફી એક્લેસ્ટોનની પસંદગી કરી. રિચા ઘોષ પહેલા બોલ પર કોઈ રન બનાવી શકી નહીં, બીજા બોલ પર એક રન આવ્યો. ત્રીજો બોલ ફરીથી ડોટ હતો અને ચોથા બોલ પર એક જ રન આવ્યો. પાંચમા અને છઠ્ઠા બોલ પર પણ એક-એક રન આવ્યો, જેના કારણે બેંગલુરુ ફક્ત ચાર રન જ બનાવી શક્યું. આ રીતે બેંગલુરુ આ મેચ 4 રનથી હારી ગયું.


