રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સને 11 રને હરાવ્યું છે. સીધા ફાઈનલમાં જવા માટે મુંબઈ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ RCBના જોરદાર વિજયને કારણે આ થઈ શક્યું નહીં. આ મેચમાં બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
જવાબમાં, MI ફક્ત 188 રન બનાવી શક્યું અને 11 રનથી મેચ હારી ગયું. બેંગ્લોરની જીતમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની 53 રનની ઈનિંગ અને સ્નેહ રાણાની 3 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી.
મુંબઈની હારથી દિલ્હીને થયો ફાયદો
મુંબઈ ઈન્ડિયન્સની આ હારથી દિલ્હી કેપિટલ્સને ફાયદો થયો છે. MI ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયું હોવાથી, દિલ્હીએ સારા નેટ રન-રેટને કારણે સીધા જ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. હવે એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાશે, જેમાંથી વિજેતા ટીમ ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે દિલ્હી WPLના ઈતિહાસમાં અત્યાર સુધી ત્રણેય વખત ફાઈનલમાં પહોંચ્યું છે.
મેચમાં બન્યા કુલ 387 રન
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCB એ 199 રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 53 રનનું યોગદાન આપ્યું, એલિસ પેરીએ 49 રન બનાવ્યા. પરંતુ બેંગલુરુ માટે સૌથી વિસ્ફોટક ઈનિંગ્સ જ્યોર્જિયા વેરહેમે રમી હતી. તેને માત્ર 10 બોલમાં 31 રન બનાવ્યા અને RCBનો સ્કોર 199 સુધી પહોંચાડ્યો. મુંબઈનો સ્કોર પણ 188 રન સુધી પહોંચી ગયો. આ સાથે મેચમાં કુલ 387 રન બન્યા. બંને ઈનિંગ્સમાં કુલ 38 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકારવામાં આવ્યા. બેંગલુરુની ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ હતી. તેને સતત પાંચ હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મુંબઈને હરાવીને તેને પોતાનો હારનો સિલસિલો સમાપ્ત કર્યો છે.


