- RCB અને UP વોરિયર્સ વચ્ચેની મેચ રોમાંચક બની હતી
- RCBની બોલર શોભના આશાએ 5 વિકેટ લીધી હતી
- શોભના આશા બોલિંગ ઓલરાઉન્ડર છે
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2024)માં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ વચ્ચેની મેચ રોમાંચક બની હતી. અહીં એક બોલરે પોતાના શાનદાર પ્રદર્શનથી દર્શકોના દીલ જીતી લીધા હતા. RCBની બોલર શોભના આશાએ પોતાની શાનદાર બોલિંગથી 5 વિકેટ લીધી હતી. આ સાથે તેણે વિમેન્સ પ્રીમિયર લીગમાં ઈતિહાસ રચ્યો હતો. શોભના આશા WPLમાં 5 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બોલર બની હતી.
કોણ છે શોભના આશા?
01 જાન્યુઆરી 1991ના રોજ જન્મેલી 32 વર્ષની શોભના આશા બોલિંગ ઓલરાઉન્ડર છે. શોભના આશાનો જન્મ કેરળના ત્રિવેન્દ્રમમાં થયો હતો. તે જમણા હાથે બેટિંગ કરે છે અને લેગબ્રેક ગુગલી બોલ કરે છે. શોભના ઈન્ડિયા એ વુમન, ઈન્ડિયન બોર્ડ પ્રેસિડેન્ટ વુમન ઈલેવન, કેરળ અને પુડુચેરી તેમજ રેલ્વે તરફથી રમી ચૂકી છે.
શોભના આશાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા WPLની શરૂઆતની સિઝનમાં રૂ. 10 લાખમાં પસંદ કરવામાં આવી હતી. RCBને શોભનાના રૂપમાં એક શાનદાર બોલિંગ ઓલરાઉન્ડર મળ્યો છે. ગયા વર્ષે આરસીબી તરફથી રમતા તેણે 5 મેચમાં 5 વિકેટ ઝડપી હતી. મોટાભાગની મેચોમાં તેને બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ હવે શોભનાએ પહેલી જ મેચમાં 5 વિકેટ લઈને તેની પ્રતિભા સાબિત કરી દીધી છે.
એક ઓવરમાં 3 વિકેટ લીધી
શોભનાએ એક ઓવરમાં 3 વિકેટ લઈને હારેલી રમતને ફેરવી નાખી. તેણે 17મી ઓવરના પહેલા બોલ પર શ્વેતા શેરાવત, ચોથા બોલ પર ગ્રેસ હેરિસ અને છઠ્ઠા બોલ પર કિરણ નવગીરેને આઉટ કરીને મેચનો રૂખ બદલી નાખ્યો.
યુપી વોરિયર્સ 17મી ઓવર પહેલા મજબૂત સ્થિતિમાં હતી. 16મી ઓવર સુધીમાં તેણે 3 વિકેટ ગુમાવીને 126 રન બનાવી લીધા હતા. આવી સ્થિતિમાં તેને 4 ઓવરમાં જીતવા માટે 32 રનની જરૂર હતી. એવું લાગી રહ્યું હતું કે યુપી વોરિયર્સ આસાનીથી મેચ જીતી જશે, પરંતુ શોભનાની ઘાતક બોલિંગ સામે યુપી વોરિયર્સની ટીમ ટકી શકી નહીં. આરસીબીએ છેલ્લી ઓવરમાં રોમાંચથી ભરપુર મેચ 2 રને જીતી લીધી હતી.
WPLમાં 5 વિકેટ લેનાર ચોથી બોલર બની
આ 5 વિકેટ સાથે શોભના આશા WPLમાં 5 વિકેટ લેનારી દુનિયાની ચોથી બોલર બની ગઈ છે. તમને જણાવી દઈએ કે સૌથી પહેલા USAની તારા નોરિસે ગયા વર્ષે 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. તે WPLમાં 5 વિકેટ લેનારી પ્રથમ બોલર બની હતી. આ સાથે ગયા વર્ષે ગુજરાતની મેરિઝેન કેપે 15 રનમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે કિમ ગાર્થે 36 રનમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. હવે આ યાદીમાં શોભના આશાનું નામ ઉમેરાયું છે. આ સાથે શોભના આશા WPLમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બની ગઇ છે.


