- રશિયાના સુદૂર પૂર્વમાં ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો
- આ હેલિકોપ્ટરમાં 19 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા
- પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું
રશિયાના સુદૂર પૂર્વમાં ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ રવિવારે મળી આવ્યો હતો. જો કે, હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો અને ક્રૂ વિશે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. શનિવારે રશિયાનું Mi-8T હેલિકોપ્ટર ટેકઓફ કર્યાના થોડા સમય બાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં 19 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા.
હેલિકોપ્ટર ટેકઓફ કર્યા બાદ ગાયબ થઈ ગયું હતું
રશિયન Mi-8T હેલિકોપ્ટર કામચટકા પ્રદેશમાં વાચકજત્સ જ્વાળામુખીની નજીકના બેઝ પરથી નિકોલેવકા માટે ઉડાન ભરી હતી. જો કે, હેલિકોપ્ટર ટેકઓફ કર્યા પછી તરત જ ગાયબ થઈ ગયું હતું અને ક્રૂ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. કામચટકા ટેરિટરીના ઈમરજન્સી સ્થિતિ મંત્રી સેર્ગેઈ લેબેદેવે કહ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
આ સ્થળે હેલિકોપ્ટર સાથે છેલ્લો સંપર્ક થયો હતો
રશિયન ઇમરજન્સી મંત્રાલયે ટેલિગ્રામ દ્વારા ગુમ થયેલા હેલિકોપ્ટરના કાટમાળની શોધ અંગે માહિતી આપી છે. મંત્રાલયે ટેલિગ્રામ પર લખ્યું, ‘હવાઈ સર્વે કરીને ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. તે સ્થળની નજીક 900 મીટરની ઉંચાઈ પર સ્થિત છે, જ્યાં તેનો છેલ્લે સંપર્ક થયો હતો. હેલિકોપ્ટરમાં સવાર લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી.
ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ માહિતી આપી
રશિયાની ફેડરલ એર ટ્રાન્સપોર્ટ એજન્સીએ અગાઉ એક નિવેદનમાં હેલિકોપ્ટરના ગાયબ થવાની પુષ્ટિ કરી હતી. એજન્સીએ કહ્યું હતું કે, Mi-8 હેલિકોપ્ટર શનિવારે કામચટકા ક્ષેત્રમાં વાચકજત્સ જ્વાળામુખીની નજીકથી ઉડ્યું હતું, પરંતુ તે નિર્ધારિત ગંતવ્ય સુધી પહોંચ્યું ન હતું. એજન્સીએ વધુમાં કહ્યું કે, તેઓનું માનવું છે કે હેલિકોપ્ટરના 19 મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર સવાર હતા.
નજીકની વસાહતોમાં બચાવ ટુકડીઓ તૈનાત
રશિયાના આ સુદૂર પૂર્વીય વિસ્તારમાં પ્લેન અકસ્માતો સામાન્ય છે. આ એક જંગલ વિસ્તાર છે અને ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં હવામાન હંમેશા ખરાબ રહે છે. બચાવ કાર્યમાં મદદ માટે વચકાજાત અને જ્વાળામુખીની આસપાસની વસાહતોમાં બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. એક કમિટી પણ બનાવવામાં આવી છે, જે હવાઈ પરિવહન સંબંધિત કલમ 263 હેઠળ ઘટનાની તપાસ કરી રહી છે. Mi-8T 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલું ટ્વીન એન્જિન હેલિકોપ્ટર છે.


