શ્રીલંકાની હાર સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. હવે એક મેચ જીતીને આફ્રિકન ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. હવે દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને પહોંચ્યા બાદ WTC ફાઈનલ પોઈન્ટ સિસ્ટમ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
શા માટે ઉઠ્યા સવાલ?
ટેસ્ટ ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા અને તેના તરફ ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, ICC એ વર્ષ 2019 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરી. જેમાં ટોપ-9 ટીમો રાખવામાં આવી છે. આ સિવાય ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ રમાય છે. જીતની ટકાવારી અનુસાર, ટીમ પોઈન્ટ ટેબલમાં સ્થાન મેળવે છે. જોકે, આ નિયમ કેટલીક ટીમો માટે નુકસાનકારક સાબિત થયો છે. હવે આ ટૂર્નામેન્ટના ફોર્મેટને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે કેટલીક ટીમો 10, કેટલીક 15 અને કેટલીક 20 મેચ રમે છે.
જો જીતના સંદર્ભમાં મેચો પર નજર કરીએ તો, જે ટીમ સૌથી વધુ મેચ જીતી છે તે ટોપ-4માં પણ નથી. ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં સૌથી વધુ 11 મેચ જીતી છે પરંતુ આ ટીમ નંબર-5 પર છે કારણ કે ઈંગ્લેન્ડની જીતની ટકાવારી ઓછી છે. ઈંગ્લેન્ડે 21 મેચ રમી છે. બીજી તરફ આફ્રિકાએ 10 મેચ રમી હોવાથી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 6 મેચ જીતીને પ્રથમ સ્થાને પહોંચી છે. આવી સ્થિતિમાં આ નિયમ ઈંગ્લેન્ડ જેવી ટીમ માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે.
WTC પોઈન્ટ ટેબલના હાલ
દક્ષિણ આફ્રિકાની ટીમ 63.33 ની જીતની ટકાવારી સાથે WTC અંતિમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ પછી ઓસ્ટ્રેલિયા 60.71 સાથે બીજા સ્થાને છે. આ સિવાય એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા 57.29 જીતની ટકાવારી સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. જ્યારે શ્રીલંકા ચોથા સ્થાને અને ઈંગ્લેન્ડ પાંચમાં સ્થાને છે.


