ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ફેન્સમાં આ મેચ પ્રત્યે ઉત્સુકતા વધી રહી છે. 11 જૂનથી લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાનારી આ ફાઈનલ માટેની ઈનામી રકમ ICC દ્વારા મે મહિનામાં જાહેર કરવામાં આવી હતી.
ICC દ્વારા વિજેતા ટીમ માટે નક્કી કરાયેલી રકમ પાછલી સિઝન કરતા બમણી છે. આ વખતે વિજેતા ટીમને બમ્પર પ્રાઈસ મની મળશે અને IPL વિજેતા કરતા વધુ રકમ મળશે. આ વર્ષે વિજેતા ટીમને 3.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 30.81 કરોડ રૂપિયા મળશે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2023 માં ફાઈનલ જીતી હતી, ત્યારે તેમને 1.6 મિલિયન ડોલર એટલે કે 13.69 કરોડ રૂપિયા મળ્યા હતા.
ફાઈનલમાં હારનારી ટીમને મળશે આટલી પ્રાઈસ મની
ફાઈનલમાં હારનારી ટીમ એટલે કે રનર-અપ ટીમને 2.1 મિલિયન યુએસ ડોલર (17.96 કરોડ રૂપિયા) મળશે, જે છેલ્લા બે વખતની જીતની રકમ કરતાં વધુ છે. છેલ્લા બે સિઝનના રનર-અપ ટીમને 800,000 યુએસ ડોલર એટલે કે 6.84 કરોડ રૂપિયા મળ્યા હતા.
ICC એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઈનામની રકમમાં વધારો ICC ના ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપવાના પ્રયાસોને દર્શાવે છે, કારણ કે તે નવ ટીમોની સ્પર્ધાના પહેલા ત્રણ ચક્રની ગતિ જાળવી રાખશે.
ટીમ ઈન્ડિયા પર થશે પૈસાનો વરસાદ?
ભારતીય ટીમે 2021 અને 2023 માં WTC ફાઈનલ રમી છે, જ્યાં તે અનુક્રમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયા 2021 ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટથી અને 2023 ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારી ગઈ હતી. આ વખતે ટીમ ઈન્ડિયાને ત્રીજા સ્થાને સંતોષ માનવો પડ્યો. ભારતીય ટીમને ત્રીજા સ્થાને રહેવા બદલ 12.32 કરોડ રૂપિયા મળશે.
ચોથા સ્થાને રહેનાર ન્યુઝીલેન્ડ અને પાંચમા સ્થાને રહેનાર ઈંગ્લેન્ડ ટીમને પણ ઘણા પૈસા મળશે. નવમા અને છેલ્લા સ્થાન પર રહેલી પાકિસ્તાનને પણ 4.1 કરોડ ભારતીય રૂપિયાની પ્રાઈસ મની મળશે.