- સાર્વજનિક ખાદ્ય ભંડારનો કાયમી ઉકેલ શોધવા
- મત્સ્યપાલન સબસિડી પર નિયંત્રણ મૂકવા જેવા મુખ્ય મુદ્દા પર નિર્ણય ન થયો
- થાઇલેન્ડના નિવેદન સામે ભારતીય પ્રતિનિધિ મંડળે બેઠકનો બહિષ્કાર કર્યો હતો
વિશ્વ વેપાર સંગઠન (WTO)નું મંત્રીસ્તરીય સંમેલન સમય કરતાં એક દિવસ બાદ પૂરું થયું છે. સંમેલનમાં સાર્વજનિક ખાદ્ય ભંડારનો કાયમી ઉકેલ શોધવા અને મત્સ્યપાલન સબસિડી પર નિયંત્રણ મૂકવા જેવા મુખ્ય મુદ્દા બાબતે કશો નિર્ણય ન થયો. તેનાથી ક્ષમતા કરતાં વધારે માછલી પકવાની સમસ્યા ઊભી થાય છે. સંમેલનમાંના સભ્યોએ ઇ-કોમર્સ વેપાર પર આવકવેરો લાદવા પરના નિયંત્રણને બે વર્ષ માટે પાછો ઠેલવા બાબતે સંમતિ વ્યક્ત કરી હતી. ભારતે ખાદ્ય સુરક્ષાના મુદ્દાને સંમેલનમાં સફળતાપૂર્વક આગળ ધપાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં ભારતીય ટીમે જી-33 સમૂહના સહયોગથી ખાદ્ય સુરક્ષા મુદ્દાના કાયમી ઉકેલ માટે ઘણી મહેનત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અબુધાબીમાં મંત્રીસ્તરીય વાર્તાલાપ 29 ફેબ્રુઆરીએ સમાપ્ત થવાનો હતો. જોકે, મહાનિર્દેશક નગોઝી ઓકોંઝો ઇવેલાએ એમસી13ના અધ્યક્ષ થાની બિન અહમદ અલ ઝાયેદ અને મંત્રીઓ સાથે વાતચીત કર્યા બાદ સંમેલનને એક દિવસ વધારવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સાર્થક સમજૂતી પર પહોંચવા માટે સત્રને એક દિવસ માટે વધારવામાં આવ્યું છે.
ગોયલે સંતોષ વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે મને લાગે છે કે ભારતે એ મુદ્દા પર સફળતાપૂર્વક કામ કર્યું. અમે જે આશા રાખી હતી અમે તેવાં જ પરિણામ હાંસિલ કર્યાં. અમારો ઉદ્દેશ હતો કે આપણા ખેડૂતો અને માછીમારોનું નુકસાન ન થાય અને તેમને કોઈ મુશ્કેલી ન પડે; અને એમે એવું કરવામાં સફળ રહ્યા. અમે એવો કોઈ નિર્ણય ન થવા દીધો જેનાથી ખેડૂતો અને માછીમારોને તકલીફ પડે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે આ એક સારું પરિણામ છે. અમે સંપૂર્ણ સંતુષ્ટ છીએ. તદ્ ઉપરાંત, બે દેશોના સંગઠનમાં સામેલ થવા માટે ગોયલે આનંદ પ્રકટ કર્યો હતો. સંમેલનના પાંચમા દિવસે મંત્રીસ્તરીય વાર્તાલાપમાં કૃષિ, મત્સ્યપાલન, અને વિવાદ સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ભારતે નિષ્પક્ષતાના મુદ્દે મહત્ત્વની વાત કહી હતી. ભારતે કહેલું કે અમે નિષ્પક્ષ રમત અને ન્યાયના મજબૂત સિદ્ધાંતો પર આજે પણ અડગ છીએ.
થાઈ પ્રતિનિધિના નિવેદન બાદ વિરોધ
વશ્વ વેપાર સંગઠન (WTO)ના 13માં મંત્રીસ્તરીય સંમેલનમાં ભારત પર વિવાદિત ટિપ્પણી કરનારાં થાઈ પ્રતિનિધિ પિમચાનોક પિટપીલ્ડને થાઇલેન્ડે પાછાં બોલાવી લીધાં છે. ભારતના ચોખા ખરીદ કાર્યક્રમ બાબતે થાઇ પ્રતિનિધિએ કહેલું કે ખાદ્ય સુરક્ષા અને ખેડૂતો માટે એમએસપીના નામે ભારત નિકાસબજાર પર કબજો કરવા માગે છે. તેનો વિરોધ કરતાં ભારતીય પ્રતિનિધિ મંડળે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ભારતે થાઇલેન્ડ સામે વિરોધ નોંધાવ્યો અને WTO પ્રમુખ, કૃષિ સમિતિના પ્રમુખ કેન્યા અને યુએઇ સામે નારાજગી પણ દર્શાવી હતી.


