TRP હત્યાકાંડમાં બન્ને પૂર્વ કમિશનર અને ચાર પોલીસ અધિકારીઓ અંતે ‘દૂધે ધોયેલા’
સત્ય શોધક સમિતિના તપાસ રિપોર્ટના અહેવાલ બાદ જાહેર કરાયો ‘અપેક્ષિત’ નિર્ણય
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા હત્યાકાંડમાં એકસાથે ચાર-ચાર સીટ(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી ચાલેલી તપાસમાં અંતે ‘યે તો હોના હી થા!’ એ મુજબ ધીમે ધીમે પડિકુ વળી રહ્યુ છે. હાઇકોર્ટે બનાવેલી સત્ય શોધક સમિતિએ આ હત્યાકાંડમાં જેમની રાતોરાત બદલી કરી નાખવામા આવી હતી એ તમામ આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. અધિકારીઓને ‘દૂધે ધોયેલા’ની ક્લીનચીટ આપતો નિર્ણય આજે જાહેર કરવામા આવ્યો છે. પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને તો ગઇકાલે જ નવો ચાર્જ આપી પુન: ફરજ પર લઇ લેવાયા બાદ આજે સત્ય શોધક સમિતિએ જાહેર કરેલા નિર્ણયમાં પૂર્વ મ્યુનિ. કમિશનર અમિત અરોરા, આનંદ પટેલ, પૂર્વ કલેકટર અરૂણ મહેશ બાબુ, પૂર્વ એસ.પી. બલરામ મીણા, પૂર્વ ડીસીપી પ્રવીણ મીણા સહિતના તમામને ક્લીનચીટ આપી દેવામા આવી છે. સત્ય શોધક સમિતિમાં સચિવ કક્ષાના મનીષા ચંદ્રા, પી.સ્વરૂપ અને બેનીવાલની નિમણુંક કરવામા આવી હતી.
સત્ય શોધક નહીં પણ સત્ય છૂપાવનારી કમિટી હતી : વિપક્ષની આકરી પ્રતિક્રિયા
“કંઇ પણ બને તો પરિવારના વડાની જવાબદારી પણ બને જ છે, પણ અહીં ઉલ્ટુ થયુ”
ટીઆરપી હત્યાકાંડમાં સત્ય શોધક સમિતિનો તપાસ રિપોર્ટ આખરી માનવામા આવે છે. બન્ને પૂર્વ મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલ ઉપરાંત ચાર પોલીસ અધિકારીઓને અપાયેલી ક્લીન ચીટ બાબતે પ્રદેશ કોંગ્રેસે એવી આકરી પ્રતિક્રિયા આપી છે કે, મોરબીના ઝૂપલા પુલનો હત્યાકાંડ, વડોદરાનું હરણી કાંડ, કાંકરિયા લેકનો બનાવ, સુરતના તક્ષશીલાની અગ્નિકાંડ આ બધી ઘટનામાં તપાસના નામે જે નાટક થયુ એ જોતા રાજકોટના ટીઆરપી હત્યાકાંડમાં પણ એવુ સ્પષ્ટ જ હતુ કે, તપાસના નામે ફીંડલુ વળી જ જવાનું છે. તેની શરૂઆત થઇ ચુકી છે. એક પરિવારના વડા તરીકે જેની જવાબદારી બનતી હોવા છતા પૂર્વ મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલ સહિત જેની સીધી નૈતિક ફરજ બનતી હતી એ પોલીસ અધિકારીઓ સહિતનાને ક્લીન ચીટ અપાઇ ગઇ છે. જેમણે આ ક્લીનચીટ આપી એ સત્ય શોધક સમિતિ હતી જ નહીં, આ તો સત્ય છુપાવનારી સમિતિ નીકળી!
તમામ જવાબદાર ટાઉન પ્લાનીંગ શાખાની જ બની, સમિતિનો રિપોર્ટ
જેલ હવાલે રહેલા સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સહિત ટીપીના અધિકારીઓની ઉપર ભીંસ વધી ગઇ
સત્ય શોધક સમિતિના તપાસ રિપોર્ટમાં જેને ક્લીનચીટ અપાઇ છે એ પૂર્વ મ્યુનિ. કમિશનર અમિત અરોરા, આનંદ પટેલ, પૂર્વ કલેકટર અરૂણ મહેશ બાબુ, પૂર્વ એસ.પી. બલરામ મીણા, પૂર્વ ડીસીપી પ્રવીણ મીણા સહિતનાની કોઇ જ ભૂમિકા ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં બનતી નથી તેવો તપાસ અહેવાલ અપાયો છે. સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની ટીપી શાખાની જ બને છે. આ તપાસ અહેવાલથી દેખીતી રીતે જ જેલ હવાલે રહેલા સસ્પેન્ડેડ ટીપીઓ એમ.ડી.સાગઠિયા અને પૂર્વ એટીપી રાજેશ મકવાણા, મુકેશ મકવાણા સહિત મનપાના એ અધિકારીઓની ભીંસ વધી ગઇ છે.
ક્લીનચીટ મેળવેલા અધિકારીઓ સામે સો-મણનો સવાલ
ટીઆરપીમાં બર્થ-ડે પાર્ટી માણવા ગયા ત્યારે આ ગંભીર બેદરકારી દેખાઇ ન હતી?
જેમને ક્લીનચીટ મળી છે તેમાથી પૂર્વ મ્યુનિ.કમિશનર અમિત અરોરા, પૂર્વ કલેકટર અરૂણ મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા અને ડીસીપી ઝોન-૧ના પ્રવીણ મીણા આ બધા ટીઆરપી ગેમ ઝોનની મજા માણી આવી આવ્યા હતા. ટીઆરપીમાં બર્થ-ડે પાર્ટી ઉજવવા ગયા હતા. ભૂતકાળની એક ઘટના છે કે જગદીશન જ્યારે રાજકોટ મ્યુનિ.કમિશનર હતા ત્યારે શહેરની ભાગોળે એક રિસોર્ટના આમંત્રણમાં ગયા હતા. તેઓ ગયા પણ હતા પરંતુ ત્યા તેમણે અમુક ગેરકાયદે બાંધકામ નજરે જોયુ હતુ અને બીજા જ દિવસે એ રિસોર્ટમાં ડિમોલિશનનો આદેશ કર્યો હતો. અહી ટીઆરપીમાં ક્લીનચીટ મેળવનાર બર્થ-ડે પાર્ટીમાં ટીઆરપીમાં ગયા હતા ત્યારે તેમના નજરમાં શું નહીં આવ્યુ હોય કે અક્ષમ્ય અને ગુનાહિત બેદરકારી સાથેનો ટીઆરપી ગેમ ઝોન ગમે ત્યારે આગનો ગોળો બની શકે તેમ છે? આ પણ એક અહમ સવાલ છે.
સત્ય શોધક સમિતિ માત્ર જ વખત રાજકોટ આવી અને અપાઇ ક્લીનચીટ
બનાવની તપાસ માટે સત્ય શોધક સમિતિના સભ્ય સચિવ કક્ષાના અધિકારી મનીષા ચંદ્રા, પી.સ્વરૂપ અને બેનીવાલ માત્ર એક જ વખત રાજકોટ આવ્યા હતા. એ પણ ગણતરીની કલાકો જ રોકાણ કરી પરત ગાંધીનગર ચાલ્યા ગયા હતા. માત્ર એક જ વખતની મુલાકાત પણ અપાયેલી ક્લીનચીટ આજીવન શંકાના દાયરામાં રહેશે તેવી ચર્ચાઓ શહેરમાં થઇ રહી છે.