- હૂતી વિદ્રોહીએ 10 લાખ બેરલ તેલ વહન કરતા જહાજને ઉડાવ્યું
- હૂતી દ્વારા આ વિસ્ફોટનો વીડિયો જાહેર કરવામાં આવ્યો
- હુતી બળવાખોરો દ્વારા હુમલો કરવામાં આવેલા જહાજમાંથી તેલ લીક થઈ રહ્યું છે
લાલ સમુદ્રમાં તણાવની સ્થિતિ યથાવત છે. યમનના વિદ્રોહી જૂથ હૂતીએ ફરી એકવાર તણાવ ફેલાવવાનું કામ કર્યું છે. હૂતી વિદ્રોહીએ 10 લાખ બેરલ તેલ વહન કરતા જહાજને બારૂદથી ઉડાવી દીધું. હૂતીએ આ ભયાનક દ્રશ્યનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમના લડવૈયાઓ ઓઈલ ટેન્કર સોનિયન પર ચઢતા અને તે જહાજ પર વિસ્ફોટ થતા જોવા મળે છે. જો કે, આ મહિનાની શરૂઆતમાં લાલ સમુદ્રમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા પણ આ હુમલાથી ચિંતિત છે.
અમેરિકા પણ આ હુમલાથી ચિંતિત
હૂતી દ્વારા ગુરુવારે આ ફૂટેજ એવા સમયે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગ્રીકના ધ્વજવાળા આ જહાજથી મોટા પાયે તેલ લિકેજ થઈ શકે છે. આ હુમલાથી અમેરિકા પણ ચિંતિત છે. પેન્ટાગોનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર લાલ સમુદ્રમાં હૂતી બળવાખોરો દ્વારા હુમલો કરવામાં આવેલા જહાજમાંથી તેલ લીક થઈ રહ્યું છે. સાથે જ તેમણે વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંથી એકમાં “સંભવિત પર્યાવરણીય આપત્તિ”ની ચેતવણી પણ આપી હતી. તેલ લિકેજ પર્યાવરણ પર નોંધપાત્ર અસર કરી શકે છે. આ વિસ્તારમાં પરિવહનને પણ જોખમમાં આવી શકે છે. જહાજમાં લગભગ 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલ રાખવામાં આવ્યું હતું.
શા માટે હુમલા કરી રહ્યા છે હૂતી?
વિદ્રોહી સંગઠન હૂતીના લશ્કરી પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે, સોનિયન એક એવી કંપનીનું છે, જેણે લાલ સમુદ્રમાં ઇઝરાયેલ જઈ રહેલા જહાજો સામે યમની જૂથ દ્વારા જાહેર કરેલ નાકાબંધીનું “ઉલ્લંઘન” કર્યું હતું. પોતાને યમનના સશસ્ત્ર દળો તરીકે રજૂ કરનારા હુથીઓ સતત તે જહાજોને નિશાન બનાવી રહ્યા છે. જેના વિશે દાવો કરવામાં આવે છે કે તે ઈઝરાયેલ સાથે સંકળાયેલા છે. તેમનું કહેવું છે કે, આ બધું ઈઝરાયલ સરકાર પર ગાઝામાં યુદ્ધ ખતમ કરવા માટે દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 40,600થી વધુ ફિલિસ્તીની લોકોના મોત થયા છે.
અમેરિકા-UKના જહાજો પર પણ હુમલા
યમનના વિદ્રોહી જૂથે ઈઝરાયલ જ નહીં સંયુક્ત રાજ્ય અમેરિકા અને યૂનાઈટેડ કિંગડમ સાથે સંકળાયેલા જહાજો પર પણ ત્યારે હુમલો કરવાનું શરૂ કરી દીધું જ્યારે બન્ને દેશોએ આ ક્ષેત્રમાં શિપિંગ લેન પર હૂતીઓના હુમલાઓને સમાપ્ત કરવા માટે જાન્યુઆરીમાં તેમની લશ્કરી ઝુંબેશ શરૂ કરી હતી.
હૂતીઓએ જહાદના ડ્રોન ફૂટેજ અને કોકપિટનું વોકથ્રુ જાહેર કર્યુ
હૂતીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં જહાજના બાહ્ય ભાગના ડ્રોન ફૂટેજ અને કોકપિટમાં એક વોકથ્રુ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં એક ફાઇટર ઓટોમેટિક હથિયાર સાથે છે. તે ટેન્કરની સપાટી પર અનેક વિસ્ફોટ કરે છે. જો કે, ફૂટેજમાં જહાજના તે ભાગને નુકસાન નથી જોવા મળી રહ્યું કે જ્યાં તેલ રાખવામાં આવ્યું હતું.
ટેન્કરમાંથી ઓઇલ લીકેજ નથીઃ EU
સાથે જ તે પણ સ્પષ્ટ નથી કે વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો અથવા તે તેલના લિકેજને રોકવાના પ્રયાસોને અસર કરશે કે કેમ. સનિયન નામના જહાજ પર સૌથી પહેલા 22 ઓગસ્ટે હુમલો કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે તેના ક્રૂને બચાવી લેવામાં આવ્યા હતા.
જહાજના મુખ્ય ડેક પર અનેક સ્થળોએ આગ લાગવાની ઘટના સામે આવી
આ પહેલા ગુરુવારે લાલ સમુદ્રમાં યુરોપિયન સંઘના સૈન્ય મિશનએ જણાવ્યું હતું કે, “જહાજના મુખ્ય ડેક પર અનેક સ્થળોએ આગ લાગવાની ઘણી ઘટનાઓ મળી આવી છે.” પરંતુ તેમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જહાજ હજી પણ ત્યાં લંગરાયેલું હતું, જેના કારણે તે પુષ્ટિ થાય છે કે, ટેન્કરમાંથી ઓઈલ લિકેજ થયું નથી.
અમેરિકાની સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
ઓપરેશન એસ્પાઈડ્સ નામના મિશને તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, “લાલ સમુદ્ર એ વૈશ્વિક પરિવહન માટેના મુખ્ય દરિયાઈ માર્ગોમાંથી એક જ નથી, પરંતુ એક અનન્ય દરિયાઈ ઇકોસિસ્ટમ પણ છે, જે સંભવિત પ્રદૂષણને કારણે હવે ગંભીર જોખમમાં છે.” તેમણે વધુમાં કહ્યું કે, “યુરોપિયન સંઘ રાજદ્વારી પ્રયાસો અને સંબંધો દ્વારા MV (વેપારી જહાજ) સોનિયનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.” આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકાએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં તેની સેના પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, તેમણે આ વાત પર ભારપૂર્વક જણાવ્યું કે, ટેન્કરમાંથી તેલ લીક થઈ રહ્યું છે.


