આરુરુક્ષો: મુને: યોગમ કર્મ કારણમ ઉચ્ચતે I
યોગારૂઢસ્ય તસ્ય એવ શમ: કારણમ ઉચ્ચતે II 6/3 II
અર્થ : યોગના સાધકો માટે કર્મ એ જ સાધન છે જ્યારે જેણે યોગને સાધી લીધો છે તેના માટે તો કર્મનો ત્યાગ કરવો એ જ સાધન છે.
જેને યોગમાં જોડાવું છે તેણે યોગ માટેના નિયમો વિનિયમો સિદ્ધાંતો અને આસનોનું પાલન કરવું અતિ જરૂરી છે. યોગ એટલે ઈશ્વર સાથેનું જોડાણ. જે વ્યક્તિએ આ કરવું હોય તેણે તેના કર્મ રૂપે યોગના નીતિનિયમો અનુસરવાના રહે જ છે. બ્રહ્મ સાથે એકરૂપ થવા માટે યોગ એક સાધન અથવા તો માર્ગ છે એમ પણ કહી શકાય. જે વ્યક્તિ યોગ દ્વારા ઈશ્વરને, બ્રહ્મને પામી ચૂકી હોય છે તેના માટે યોગના નિયમો વગેરેનો ભૌતિક રૂપે ત્યાગ કરવામાં આવે તો તેની હવે ખાસ જરૂર પણ હોતી નથી, કેમ કે મનુષ્યનું એકમાત્ર લક્ષ બ્રહ્મને પામવાનું જ છે એટલે જે કોઈ આ રીતે બ્રહ્મને પામી લે છે તેના માટે તે બ્રહ્મના સાંનિધ્યમાં જીવવા સિવાય બીજું કોઈ કર્મ અપેક્ષિત હોતું નથી.
યદાહિનેન્દ્ર્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્જતે II
સર્વસંકલ્પ સન્યાસી યોગારૂઢ્સ્તદોચ્યતે II 6/4 II
અર્થ : જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે.
ઇન્દ્રિયોના વિષયોમાં એટલે આંખ, કાન, નાક, જીભ,મન તેમજ શરીરની અન્ય ઇન્દ્રિયોને લગતા વિષયો જેવા કે જોવું, સાંભળવું, સૂંઘવું, ખાવું, પીવું, ક્રોધ, હર્ષ, ચિંતા, કામના વગેરેમાં જે આસક્ત નથી થતા; પોતાના સંકલ્પો, મનના મનોરથો ઇચ્છાઓને છોડી શકે છે તે સંપૂર્ણપણે યોગારૂઢ થઈ ગયેલા કહેવાય. યોગ વિશે આપણે જાણીએ છીએ કે આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયા એટલે યોગ. આ યોગમાં ધ્યાન, ચિંતન, ભક્તિ, શારીરિક કસરતો, જુદાંજુદાં દૈહિક આસનો વગેરે સમાવિષ્ટ છે. આરૂઢ થવું એટલે કોઇના ઉપર સવારી કરવા માટે બિરાજમાન થવું, પરંતુ આપણે એવા શાબ્દિક અર્થને બદલે મૌલિક અર્થ તારવીએ તો એમ કહી શકાય કે જે વ્યક્તિ સંસારની મોહમાયાથી પોતાની ઈન્દ્રિયોને પર રાખી શકે છે, પોતાની ઇચ્છાઓ, મહેચ્છાઓ, અન્યો પ્રત્યેની પોતાની અપેક્ષાઓ છોડી શકે છે તે વ્યક્તિ પોતાની આધ્યાત્મિક ચેતનાને વિશ્વની ચેતના સાથે જોડવા માટે તત્પર અથવા સજ્જ થઈ છે તેમ કહેવાય. આવી સજ્જતા અને તત્પરતા કેળવીએ તો જ સાચા અર્થમાં ઈશ્વર સાથે યોગ દ્વારા આપણે કાયમને માટે જોડાઈ શકીએ.