યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ II
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુ:ખહા II6/17II
અર્થ : જે મનુષ્ય ખાવાપીવામાં હરવાફરવામાં કર્મોની પ્રવૃત્તિમાં તેમજ ઊંઘવા જાગવામાં યોગ્ય પ્રમાણ જાળવે છે તેની યોગસાધના સઘળાં ભૌતિક દુ:ખોને હરે છે.
ભગવાને ભગવદ્ ગીતામાં જ આહાર અને વિહારને નિયંત્રિત કરવાની શિખામણ આપેલી છે.
- ખાવામાં ધ્યાન રાખવું.
- પીવામાં (નશીલા પદાર્થો નહીં) પણ શરીરને અનુરૂપ લાગે તેવાં પીણાંનું યોગ્ય માત્રામાં સેવન કરવું.
- હરવા-ફરવામાં કાળજી રાખવી, સમય અનુસાર અને ઋતુ અનુસાર જ વિહાર કરવો, આડેધડ જ્યાંત્યાં ફર્યા કરવાનો કે રખડ્યા કરવાનો કોઈ અર્થ નથી.
- ઊંઘ પણ માફકસરની લેવી. બિનજરૂરી જાગરણો પણ ટાળવાં.
- પોતાના ભાગે આવતાં કાર્યો પણ સમયસર અને સમજીવિચારીને કરવાં જોઈએ.
- માત્ર ઊંઘ્યા કરવું કે માત્ર જાગ્યા જ કરવું કે પછી સમજ્યા વગર ગધેડાની પેઠે વૈતરું કરવાનો પણ કોઈ અર્થ નથી.
ટૂંકમાં, આહારવિહાર, ખોરાક, ઊંઘવા જાગવા અને પોતાનાં કર્મોનાં યોગ્ય પ્રમાણ તેની જરૂરિયાતને ધ્યાને રાખીને જાળવીએ તો યોગસાધના અર્થાત્ ભક્તિ પણ સારી રીતે થઇ શકે છે અને સરવાળે તેનાથી આપણાં દુ:ખ દૂર થઇ શકે છે. જીવનમાં અમુક ચોક્કસ પ્રકારના નિયમો કે વ્રતો પાળવાથી આરોગ્ય સારું રહે છે અને આત્માનું કલ્યાણ સાધી શકાય છે.
યદા વિનિયતમ ચિત્માત્મન્યે વાવતિષ્ઠતે II
નિ:સ્પૃહ: સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચતે તદા II6/18II
અર્થ : જ્યારે યોગી યોગસાધના વડે મનની બધી પ્રવૃત્તિઓને નિયમમાં રાખી ભગવત તત્ત્વમાં સ્થિર થાય છે અને સઘળી કામનાઓ વિશે સ્પૃહારહિત બને છે ત્યારે તે યોગસિદ્ધ કહેવાય છે.
વ્યક્તિએ યોગસિદ્ધ બનવું હોય તો તેણે શું કરવું જોઇએ? અથવા કોઇ વ્યક્તિ યોગસિદ્ધ થયો છે એવું ક્યારે કહી શકાય? યોગ એટલે ઈશ્વર સાથેના જોડાણની પ્રક્રિયા અથવા તો ક્રિયા. ઈશ્વર સાથે જોડાવું હોય તો એના માટે ઘણી મોટી સાધના કરવી પડે. આ સાધનામાં સૌથી પ્રથમ આવે છે મનની બધી પ્રવૃત્તિઓને નિયમિત કરવી. મનના વિચારો કે તરંગોને જો નિયંત્રિત ન કરી શકો તો તમે યોગ કે યોગસાધના કશું જ કરી શકો નહીં.
જો તમે મનની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી શકો તો પછી તમારું મન ભગવદ્ તત્ત્વમાં રસ લેવાનું શરૂ કરશે અને જો તમે એમાં સતત આગળ વધતા રહેશો તો એ ભગવદ્ તત્ત્વ ઉપર સ્થિર થવા લાગશે. તમારું મન ભગવદ્ તત્ત્વ ઉપર સ્થિર થાય એટલે તમને મોટી સફળતા મળી કહેવાય. આમ, મનને અથવા મનની પ્રવૃત્તિઓને જે નિયંત્રિત કરી દે છે તેને ભગવદ્ તત્ત્વ સરળતાથી પ્રાપ્ત થઈ જ જાય છે. મન ભગવદ્ તત્ત્વ પર સ્થિર થાય પછી તમારી મનની કામનાઓને બીજા કશાયની સ્પૃહા કે ઇચ્છા રહેશે જ નહીં અને વ્યક્તિના મનની સ્પૃહારહિત (ઇચ્છારહિત) અવસ્થા એટલે જ તે વ્યક્તિએ પ્રાપ્ત કરેલો યોગ સિદ્ધ તરીકેનો તબક્કો.