શુચૌદેને પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનાત્મન:II
નાત્યુચ્છિતં નાતિનીચં ચૈલ્લાજિંકુશીતરમ II 6/11II
તત્ર એકાગ્રમ મન: કૃત્વા યતચિત્તેન્દ્રીયક્રિય:II
ઉપપિશ્ય આસને યુંજ્યાત ચોગમ આત્મવિશુદ્ધિયેII 6/12 II
અર્થ : પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં કે અતિ નીચું નહીં તેવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્રનું આસન સ્થાપી તે આસન ઉપર બેસી મન એકાગ્ર કરી ચિત્ત અને ઈન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંત:કરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ.
અહીં યોગનો અભ્યાસ કરવા માટે શું કરવું જોઇએ તે સમજાવવામાં આવ્યું છે. આજે તો યોગનો અભ્યાસ કરાવવાવાળાં ઘણાંબધાં આશ્રમો, કેન્દ્રો અને સંસ્થાઓ તેમજ યોગ ગુરુઓ જોવા મળે છે અને યોગની ક્રિયાથી લોકોને શાંતિ પણ મળે છે, લાભ થાય છે. યોગાભ્યાસ માટે ભગવાને ભગવદ ગીતામાં આ શ્લોકોમાં સરસ સ્પષ્ટતા અને સમજણ આપેલી છે.
યોગની ક્રિયા કરવા માટે આ શરતો અતિ આવશ્યક છે – પવિત્ર સ્થળ પસંદ કરવું, એકાંતવાળું સ્થળ હોવું જોઇએ, જમીનથી ન બહુ ઊંચે કે ન બહુ નીચે તે સ્થાન હોવું જોઇએ, બેસવા માટેનું આસન દર્ભ એટલે કે વનસ્પતિનાં પર્ણ કે છાલનું, ચર્મ કે પછી સરસ વસ્ત્રનું બનેલું હોવું જોઇએ, ચિત્ત અને ઈન્દ્રિયોને વશ કરીને જ યોગની ક્રિયામાં ધ્યાનસ્થ થવું.
ઉપરોક્ત શરતો સંતોષાય તો જ સાચી રીતે યોગાભ્યાસ કરી શકશો. તમારા મનને શાંત કરી શકશો. આમ થવાથી તમે કુદરત અથવા ઈશ્વરની ખૂબ જ નજીક પહોંચી ગયા છો એવી અનુભૂતિ તમને અવશ્ય થશે જ.
સમં કાર્યશિરોગ્રીવં ધારયન્નચલં સ્થિર: II
સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશ:ચ અનવલોક્યન II6/13II
પ્રાશાંતાત્મા વિગતભિર્બ્રહ્મ્ ચારિવ્રતે સ્થિત: II
મન: સંયમ્ય મચ્ચિત્તોયુક્ત આસીત મસ્પર : II6/14II
અર્થ : પીઠ, મસ્તક અને ડોકને સીધાં તથા અચળ રાખી આમ તેમ ન જોતાં નાકના ટેરવા પર સ્થિર નજર ઠેરવીને શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં રહી મનને વશ કરી મારામાં ચિત્ત લગાવી મારામાં પરાયણ બનીને સમાધિનિષ્ઠ થઈ બેસવું.
યોગ કરવાની રીત અથવા તો જે પદ્ધતિઓ આવે છે તેનું મૂળ અહીં ભગવદ્ ગીતામાં દેખાય છે. જે લોકો હાલમાં યોગાસનો તેમજ યોગની ક્રિયાઓ કરી રહ્યા છે તેમને અહીં દર્શાવેલી બાબત ખૂબ જ સરળતાથી સમજાઇ જશે. યોગ કરવા મનને શાંત કરવું તે પ્રથમ બાબત છે. પછી આવે છે ધ્યાન કરવાની વાત. ધ્યાન ત્યારે જ લાગે જ્યારે અન્ય કોઇ વિચારો મનમાં પ્રવેશી ન શકે. આવી અવસ્થા પ્રાપ્ત કરવા પીઠને સીધી રાખી આંખોથી નાકના ટેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મન શાંત હોય અને માત્ર ઈશ્વરનું જ સ્મરણ હોય તો કશોક ચમત્કાર સર્જાતો હોય એવું લાગવા માંડે છે. સાચેસાચ ધ્યાન લાગશે તો તમને કશોક અલૌકિક અનુભવ અવશ્ય થશે. આ યોગની ક્રિયાઓ ગૃહસ્થો અને સંસારી મનુષ્યોએ જ કરવાની છે. યૌગિક ક્રિયાઓ દરમિયાન તમે સંપૂર્ણ રીતે સંયમી હોવ તે પૂર્વશરત તો ખરી જ.