આયુષ મિનિસ્ટ્રી, નવી દિલ્હી તથા નિયામક આયુષની કચેરી આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિર્દેશિત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દાહોદ માર્ગદર્શિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ પ્રેરિત આયુષ ટીમ દાહોદ દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનેકવિધ કાર્યક્રમો-યોગશિબિરો-યોગ સ્પર્ધાઓનું 75 જુદી જુદી જગ્યાઓ પર આયોજન કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે તારીખ 16 જુનથી 21 જૂન દરમ્યાન યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
અનિદ્રા, ડિપ્રેશનને કાબુમાં રાખવા માટે યોગ જરૂરી
જે નિમિતે દાહોદ જિલ્લામાં વિવિધ શાળાઓ તેમજ આંગણવાડીઓ ખાતે યોગ શિબિરો યોજવામાં આવી હતી. પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી જન્ય રોગો જેવા કે, ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે. એ સાથે માનસિક રોગો જેવા કે અનિદ્રા, ડિપ્રેશનને કાબુમાં રાખવા માટે આપણા જીવનમાં યોગ હોય એ ખુબ જ જરૂરી છે. યોગ દ્વારા શરીર અને મનની તંદુરસ્તી જળવાય છે તેમજ સ્વાસ્થ્યના સંવર્ધન સાથે જીવનમાં આનંદ અને સમૃદ્ધિ વધે છે, તેથી આ નાનકડાં ભૂલકાઓ તેમજ આંગણવાડીની બહેનોએ યોગ કરીને યોગ સપ્તાહની શરૂઆત કરવાની સાથે દાહોદ જિલ્લાના તમામ નાગરીકોને યોગાભ્યાસને રોજીંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરી હતી.
જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે
21 જૂન 2025 ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની અધ્યક્ષતામાં ક્લેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે યોજાશે, જેને લઈને તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.