ગોંડલમાં આપ મહિલા નેતા જીગીશા પટેલ પર વિફરેલી મહિલાઓએ કરી લાફાવાળી
લોક પ્રશ્નોને વાચા આપવા પહોંચી હતી ત્યારે ટોળાએ કારનો કાચ તોડી હૂમલો કરતાં હોસ્પિટલ ખસેડાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલ પર હુમલો થયો છે. મહિલાઓના ટોળાએ જીગાશા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો. જેથી જીગીશા પટેલને ઈજા પહોંચી હતી.
દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાળી પણ કરી હતી. જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી. જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ પથ્થરમારાની ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી. જીગીશા પટેલ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખસોએ તેમની કારને આંતરી હતી. સ્થાનિક પ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયેલા નેતા પર અજાણ્યા શખસોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. જ્યારે જીગીશા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યા હતા, ત્યારે અચાનક 4થી 5 અજાણી મહિલાઓ અને બે પુરુષોએ તેમના પર હુમલો કર્યો હતો.
હુમલાના કારણે જીગીશા પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાથમાં પણ ફેક્ચર જેવી ઈજાની આશંકા છે. ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં તેમને સ્થાનિકોની મદદથી ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઘટનાને પગલે ‘આપ’ના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલો રાજકીય અદાવતમાં થયો છે કે અંગત કારણોસર, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


