- શુભકરણના મોતનો મામલો પંજાબ-હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યો
- હાઈકોર્ટે હરિયાણા સરકારને કડક શબ્દોમાં ઠપકો આપ્યો
- પોસ્ટમોર્ટમ અને FIR દાખલ કરવામાં આટલો વિલંબ કેમ થયો?: કોર્ટ
ખેડૂત આંદોલનમાં શુભકરણના મોત મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારને કડક શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે તમે સરકાર છો, આતંકવાદીઓ નહીં, જે ખેડૂતો પર આ રીતે ગોળીબાર કરી રહ્યા છો. મૃત્યુની ન્યાયિક તપાસની માગણી કરતી અરજી પર હાઇકોર્ટે હરિયાણા, પંજાબ અને અન્ય પ્રતિવાદીઓને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
ખેડૂતોના આંદોલનને લગતી જુદી જુદી અરજીઓ સુનાવણી માટે કાર્યકારી ચીફ જસ્ટિસ ગુરમીત સિંહ સંધાવલિયા અને જસ્ટિસ લુપિતા બેનર્જીની ખંડપીઠમાં પહોંચી હતી. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે શુભકરણના મૃત્યુ પછી FIR નોંધવામાં એક અઠવાડિયાના વિલંબ માટે હરિયાણા અને પંજાબ બંને રાજ્યોને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે.
હાઈકોર્ટે કહ્યું કે એક અઠવાડિયા સુધી મૃતદેહ રાખવામાં આવ્યો અને તપાસ શરૂ કરવામાં ન આવી. જો મૃત્યુ કુદરતી ન હતું તો પોસ્ટમોર્ટમ અને FIR દાખલ કરવામાં આટલો વિલંબ કેમ થયો. તેના પર પંજાબ સરકારે કહ્યું કે ગતરોજ FIR નોંધવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ મામલામાં હત્યાની ફીર દાખલ કરવામાં આવી છે.
હાઈકોર્ટે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અમે આ મામલે જરૂરી આદેશ આપીશું. આ મામલે હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ કરતી અરજી પર હરિયાણા, પંજાબ અને કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી છે અને જવાબ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બંને રાજ્યોને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી રહી હોવા અંગે જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. અરજદાર પક્ષ દ્વારા વિવિધ ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે મુજબ ઈન્ટરનેટ એ લોકોનો અધિકાર છે અને તેને છીનવી શકાય નહીં. હાઈકોર્ટે સરકારને આ ચુકાદાઓ પર પોતાનું વલણ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
સુનાવણી દરમિયાન જ હાઈકોર્ટે ખેડૂતોને પણ ફટકાર લગાવતા કહ્યું કે તમે તમારી માંગણીઓ લઈને હાઈવે પર બેઠા છો, જ્યારે અમે સુનાવણી કરી રહ્યા છીએ તો પછી ખેડૂતો કોર્ટમાં આવીને પોતાનો પક્ષ કેમ રજૂ કરતા નથી. JCB અને મોડિફાઇડ ટ્રેક્ટર સાથેની હિલચાલ કાયદેસર કેવી રીતે ગણી શકાય?
આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારે ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે અને સરકાર સ્તરે આ વિવાદના સમાધાન માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે કે રાષ્ટ્રીય હિતમાં આદેશ જારી કરવામાં આવે.


