ગોંડલના ગણેશગઢ ફાર્મમાં સમાધાન સંમેલનમાં રૂપાલાને અપાયેલી માફીને ક્ષત્રિય સમાજના એક મોટા વર્ગે ફગાવી, કહ્યુ આ રાજકીય સંમેલન હતુ. વિડિયો વાયરલ કર્યા
પરષોતમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના સમાધાન માટે એક પ્લેટફોર્મ પુરુ પાડવા માટે ગોંડલના જયરાજસિંહ જાડેજાએ ગઇકાલે તેમના ફાર્મ હાઉસમાં સમાધાન સંમેલન બોલાવ્યુ હતુ. સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આમંત્રત ૨૦૦૦ જેટલા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાએ માગેલી માફીના બે હાથ ઉંચા કરીને વધામણા ભલે કર્યા હોય પરંતુ ‘યે આગ નહીં બુજેગી’ જેવો ઘાટ એ સર્જાઇ રહ્યો છે કે, ક્ષત્રિય સમાજના એક વર્ગે આ સમાધાનને માન્ય રાખ્યુ નથી. આંદોલન હજુ ચાલુ જ રહેશે તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
સમાધાનની વાત આવશે તો કોઇની માન-મર્યાદા નહીં : પદ્મનીબા વાળા
રૂપાલાની ટીકીટ ભાજપ રદ કરે તેવો એક લાકડિયો તાર સોશિયલ મીડિયામાં પણ પૂરજોશમાં ફરી રહ્યો છે. હજુ ગત ફેબ્રુઆરી મહિનામાં જ ભાજપમાં જોડાયેલા અને ગુજરાત કરણી સેના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મીનીબા વાળાનો પણ એક વિડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કહે છે કે, જયરાજસિંહ અમારા મોટાભાઇ સમાન છે. પણ ક્ષત્રિયાણીઓ વિશે રૂપાલાએ જે કહ્યુ છે એ માફીને પાત્ર નથી. સમાધાનની વાત આવશે તો કોઇની માન-મર્યાદા રાખવાની થતી જ નથી. આ વખતે વાત આપણા સમાજની બહેન-દીકરીઓની છે. દર વખતે આવુ જ થતુ આવે છે, સમાધાન થઇ જાય. એટલે જ આપણો સમાજ પાછળ રહી ગયો છે. બધાનું માન રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની? આમા સમાધાન નું કામ? સમાધાન કરીને શું સમજવાનું? રૂપાલાની ટીકીટ રદ થાય તો જ સમાધાન કરવામા આવશે.
રાજકોટના ક્ષત્રિયો ડબલ તાકાતથી મેદાનમાં આવે : કરણી સેના ગુજરાત અધ્યક્ષ
કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ વી.એસ.જાડેજાએ ગોંડલના સંમેલનને એક રાજકીય ગણાવ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, ક્ષત્રિય સમાજના આગેવાનો રૂપાલાને માફી આપવા માટે તૈયાર છે તેવો ડ્હોળ ઉભો કરવા માટે જે એકઠા કરવામા આવ્યા હતા એ તમામ રાજકીય જ હતા. રૂપાલાને અપાયેલી આ માફી માન્ય નથી. અમદાવાદ ખાતે જે સંમેલન બોલાવવામા આવ્યુ હતુ અને તેમા જે રીતે આંદોલન કરવાનું નક્કી થયુ હતુ એ ચાલુ જ રહેશે. માન-સન્માનના ભોગે રાજપૂત સમાજ ક્યારેય ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં. રાજકોટના ક્ષત્રિયો હવે ડબલ તાકાતથી રૂપાલીની સામે મેદાનમાં આવે.
રાજ શેખાવતે ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપને ટેકો આપેલો હતો. પરંતુ ગઇકાલે ગોંડલમ સમાધાન સંમેલન યોજાયા બાદ જાણે આ સમાધાન મંજૂર નથી તેવો સંદેશો આપવા માટે ૨૪ કલાકની અંદર જ ભાજપ સ ાથે છેડો ફાડી નાંખ્યો હોવાનું જાણવા મળે છે.
ગધેથડ આશ્રમના લાલબાપુને નયનાબા જાડેજાનો અનુરોધ
“જે કંઇ પણ નિર્ણય લ્યો એ ધર્મની રક્ષા કાજે લેજો”
ગઇકાલે જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં સમાધાન સંમેલન બાદ પરષોતમ રૂપાલા ગધેથડ આશ્રમના લાલબાપુને શિશ નમાવવા ગયા હતા. એ જ વખતે કરણી સેનાના નયનાબેન જાડેજાએ એક સોશિયલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કર્યો હતો. જેમા બોલે છે કે, ધર્મ ગુરૂનું કામ ધર્મની રક્ષા કરવાનું છે. આપ અમારા સમાજ માટે સન્માનીય, ગૌરવવંતા છો. કોઇ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરીમા નમશે. અહીં એક વ્યક્તિની વાત નથી. સમાજની અસ્મિતા અને ગૌરવની વાત છે. જે હવે આપે જોવાનું રહ્યુ. ધર્મની રક્ષા કાજે નિર્ણય લેશો એવી લાગણી છે.


