- રાજસ્થાનના CMને લઈ ભાજપ નેતાનું નિવેદન
- રાજસ્થાનમાં પણ ચોંકાવનાર નામ હશે : કિરોડી લાલ
- ભાજપ નેતા કિરોડી લાલ મીણાનું નિવેદન
રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં કોણ જીતશે તે અંગેના સસ્પેન્સનો આજે સાંજે અંત આવશે. વિધાયક દળની બેઠક જયપુર ભાજપ કાર્યાલયમાં સાંજે 4 વાગ્યે શરૂ થશે. ત્યારે એક બાદ એક ધારાસભ્યો જયપુરમાં બીજેપીના કાર્યાલય પહોંચી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાએ મુખ્યમંત્રીના ચહેરાને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.
સરપ્રાઈઝ માટે તૈયાર રહો : કિરોડી લાલ
ભાજપના નેતા કિરોડી લાલ મીણાએ આ અંગે જણાવ્યું કે રાજસ્થાનમાં સીએમ પદના ચહેરા માટે સરપ્રાઇઝ માટે તૈયાર રહો. જે રીતે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં તમારું વિશ્લેષણ ખોટું નીકળ્યું તે જોતા તમારે આશ્ચર્ય માટે તૈયાર રહેવું જોઈએ.
હું સીએમની રેસમાં નથી-સી.પી જોશી
રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સીપી જોશીએ કહ્યું કે, આજે ધારાસભ્ય દળની બેઠક છે. માનનીય સુપરવાઈઝર આજે પધારશે. ત્યાર બાદ બેઠક થશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. હું આ (CM) રેસમાં નથી.
વસુંધરા રાજેની કેટલી શક્યતા ?
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહને તક ન આપ્યા બાદ રાજસ્થાનમાં વસુંધરા રાજેને સીએમ બનાવવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે રાજસ્થાનમાં સીએમનો ચહેરો માત્ર નવો જ નહીં પરંતુ ધારાસભ્યોમાંથી પસંદ કરવામાં આવી શકે છે. રાજસ્થાનમાં જનરલ કેટેગરીની સાથે મહિલા ધારાસભ્યને પણ તક મળી શકે છે અથવા એસસી કેટેગરીના ધારાસભ્યને પણ તક આપવામાં આવી શકે છે.
કોનું નામ રેસમાં ?
જો ધારાસભ્યને તક આપવામાં આવે તો આ ધારાસભ્યોના નામની સૌથી વધુ ચર્ચા થશે. જેમાં દિયા કુમારી, રાજ્યવર્ધન રાઠોડ, પુષ્પેન્દ્ર સિંહ રણૌત, જોગેશ્વર ગર્ગ અને અનિતા ભડેલ જેવા ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. જો ધારાસભ્યો સિવાયના કોઇને તક આપવામાં આવે તો સીપી જોશી ગજેન્દ્ર શેખાવત પણ મુખ્યમંત્રીની રેસમાં સામેલ થઈ શકે છે.


