રાજકોટના ઇતિહાસમાં એકસાથે આટલી બધી ચોરીનું રેકોર્ડબ્રેક ડિટેકશન
લગ્ન પ્રસંગ, પાર્ટી પ્લોટ અને હોટલ જેવી જગ્યાએ પાર્ક થયેલી કારને જ નિશાન બનાવતો
રાજકોટમાં છેલ્લાં ઘણા સમયથી કારના કાચ તોડીને ચોરી કરનાર ગેંગ તરખાટ મચાવી રહી છે ત્યાંરે શહેરના મોટામવા પોલીસ ચોકી નજીક જ પાટીદાર ચોકમાંથી પકડાયેલા એક તસ્કર પાસેથી કારના કોચ તોડીને ચોરી કરતા એક ગુનેગાર પાસેથી ચોંકાવનારી કબૂલાત મળી છે. આરોપી ગોંડલની આશાપુરા ચોકડીની બાજુમાં મામા દેવના મંદિરની પાછળ મહેતાભાઇ નામના એક આસામીના ઘરમાં ભાડેથી રહેતો હતો. આરોપી ધરમ જસવંત ધાંધિયા નામના આ તસ્કર પાસેથી કારના કાચ તોડીને કરેલી ચોરીના એકસાથે ૧૦૦થી વધુ ગુનાઓના ભેદ ખુલ્યા છે. મોટાભાગે લગ્ન પ્રસંગ, પાર્ટી પ્લોટ અને હોટલ જેવી જગ્યાએ પાર્ક થયેલી કારને જ નિશાન બનાવી ચોરીને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ તાલુકા પોલીસના પી.આઇ. વી.આર.પટેલ તેમજ એ.એસ.આઇ. જે.ડી.વાઘેલા, અને સર્વેલન્સ સ્ક્વોર્ડના જે.ડી.વાઘેલા, કુલદીપસિંહ દિલીપસિંહ વાઘેલા તથા હર્ષરાજસિંહ સહદેવસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે,, એક શખ્સ ચોરી કરીને ઘરેણાના મુદ્દામાલ સાથે મોટામવા પોલીસ ચોકી પાસે આવેલા પાટીદાર ચોકમાંથી બાઇક પર નીકળી રહ્યો છે. જે પ્રકારના વર્ણનની બાતમી મળી હતી એ મુજબ બાઇક પર શખ્સ નીકળતા શંકાના આધારે તેને પકડીને પુછપરછ કરતા તેની પાસેથી સોનાના દાગીના નીકળ્યા હતા. પોલીસને શંકા મજબૂત લાગતા આગવીઢબે સરભરા કરતા અનેક ચોરીના ભેદ ખૂલ્યા હતા. ઉપરાંત પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવા તજવીજ હાથ ધરી છે.રીઢા તસ્કર ધરમ જસવંત ધાંધિયા સામે એકસાથે ૭ પોલીસ મથક તાલુકા પોલીસ, ગાંધીગ્રામ, એ-ડીવીઝન, યુનિવર્સિટી(ગાંધીગ્રામ-૨), પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 3૭૯, ૪૨૭ સહિતની કલમ હેઠળ ગુના નોંધાયા છે. તમામ પોલીસ મથક આ રીઢા ગુનેગાર પાસેથી ચોરીના અન્ય ભેદ ઉકેલવા અલગ અલગ રીતે કબજો લેશે.