સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ
આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી આવતીકાથી ગુજરાતના પ્રવાસે
ત્રણ દિવસ સાત ઝોનમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે : રાજયના રાજકારણમાં ગરમાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવી શકે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ કરશે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી કેજરીવાલનો આ પ્રવાસ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે.
અરવિંદ કેજરીવાલ આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ ભાગોમાં યોજાનારા કુલ 7 ઝોનવાઈઝ કાર્યકર્તા સંમેલનોમાં હાજરી આપશે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં યોજાનારા સંમેલનો પર સૌની નજર છે, જ્યાં તેઓ પાયાના સ્તરના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
અરવિંદ કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખશે. દિલ્હીથી ગોપાલ રાય અને દુર્ગેશ પાઠક જેવા વ્યૂહરચનાકારો તેમની સાથે રહેશે. જ્યારે ગુજરાત પ્રદેશના જાણીતા ચહેરાઓ જેવા કે ઈસુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા અને હેમંત ખવા પણ આ સંમેલનોમાં ઉર્જા ફૂંકશે. આ ઉપરાંત, લોકપ્રિય ધારાસભ્યો ચૈતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઈટાલિયા પણ કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે મંચ પર ઉપસ્થિત રહેશે.
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ‘બુથ જીત્યા તો ચૂંટણી જીત્યા’ના મંત્રને સાર્થક કરવાનો છે. કેજરીવાલ બુથ લેવલના કાર્યકરોને સંબોધિત કરીને તેમને આગામી પડકારો માટે તૈયાર કરશે. ગુજરાતમાં વિપક્ષ તરીકે પોતાની જગ્યા મજબૂત કરવા મથતી AAP માટે કેજરીવાલનો આ પ્રવાસ નવી સંજીવની સમાન સાબિત થઈ શકે છે. કાર્યકરોમાં નવો જોશ ભરવા અને સંગઠન માળખાને વધુ ચુસ્ત બનાવવા માટે આ ત્રણ દિવસ દરમિયાન મંથન કરવામાં આવશે.


