- ટેક્નોલોજીના દુરુપયોગથી ડીપ ફેકને અંજામ અપાઈ રહ્યો છે
- ભયાવહ વાત એ છે કે કોઇ અન્યના ચહેરાને સમગ્ર વીડિયોમાં લગાવી દેવાય છે
- આજના સમયમાં કોઇપણ તમારા ફોટોમાંથી ગણતરીની મિનિટોમાં જ ફેક ફોટો બનાવી શકે છે
કોઇપણ ટેક્નોલોજી એટલા માટે વિકસિત કરાય છે કે જેથી તેના ઉપયોગથી આપણે આગળ વધીએ પરંતુ આજના સમયમાં ટેક્નોલોજીનો દુરુપયોગ પણ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડીપ ફેકને અંજામ અપાઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી રશ્મિકા મંધાનાને લિફ્ટમાં એન્ટર કરતી દેખાડતો એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે. પરંતુ હકીકતમાં વીડિયોની ઓળખ ડીપ ફેકના રૂપમાં કરાઇ છે. અસલ વીડિયોમાં બ્રિટિશ ઇન્ડિયન યુવતી ઝારા પટેલ છે. થોડા દિવસ અગાઉ ઝારાએ જ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયોને ધ્યાનથી જોતા જાણવા મળે છે કે જ્યારે તે બંધ થતા લિફ્ટના દરવાજાથી નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે ઝારાના ચહેરાથી લઇને રશ્મિકા સુધી એક સ્મૂથ ટ્રાન્ઝિશન દેખાય છે. ધ્યાનથી જોવામાં આવે તો પહેલી સેકન્ડે અભિનેત્રીનું માથું ઓરિજિનલ વીડિયોવાળી ઝારાના શરીર પર નથી લગાવાયું પરંતુ તે બાદ તે એટલી સરળતાથી થઇ જાય છે કે એક સામાન્ય યૂઝર આ ટ્રાન્ઝિશનને સરળતાથી સમજી નહીં શકે.
ડીપ ફેક શું છે અને તેનાથી કઇ રીતે બચશો?
આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી હદ સુધી હાઇટેક થઇ ગયું છે કે કોઇપણ તમારા ફોટોમાંથી ગણતરીની મિનિટોમાં જ ડીપ ફેક (ખોટી તસવીર) બનાવી શકે છે. ડીપ ફેક ટર્મનો અર્થ છે એક એવી તસવીર અથવા વીડિયોમાં જેમાં ચહેરો અને શરીર તો તમારું દેખાશે પરંતુ વાસ્તવમાં તે તમે નથી હોતા. પોર્ન વીડિયોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં કોઇ અન્યના શરીર પર કોઇ બીજાના ચહેરાને લગાવી દેવાય છે. ભયાવહ વાત એ છે કે કોઇ અન્યના ચહેરાને સમગ્ર વીડિયોમાં લગાવી દેવાય છે અને તેની ઓળખ મુશ્કેલ હોય છે.
આ રીતે સમજો । ઉદાહરણ તરીકે તમારો એક ફોટો છે અને તમારા ચહેરા પર કોઇ સેલિબ્રિટીના શરીર સાથે સ્વેપ કરાય. ફોટો દેખનારા લોકોને લાગશે કે ફોટોમાં તમે જ છો, પરંતુ અસલમાં બોડી કોઇ અન્યનું હોય છે. કોઇપણ સમજી શકતું નથી કે આ વીડિયો કે તસવીર એડિટેડ છે.