- યુવાનોની સાથે કેટલાક આગેવાનોએ પણ કરી હતી વિનંતી
- 2018 બાદ પહેલીવાર થઈ રહી છે પોલીસ ભરતી
- આવતીકાલથી શરૂ થતી ભરતી પ્રક્રિયા પહેલા આદેશ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીને લઈને કેટલીક મહત્વની સૂચનાઓ આપી છે. આ અંતર્ગત હવે ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીમાં સિવિલિયન પોલીસ રિઝર્વની જગ્યાઓ માટે યુવાનોને વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદને ભરતી અંગે ઉમેદવારોની વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવા સૂચના આપી છે. યુપી પોલીસમાં 60,244 પદો માટેની ભરતીમાં, પાત્રતા માપદંડ પુરુષો માટે 18 થી 22 વર્ષ અને મહિલાઓ માટે 18 થી 25 વર્ષનો હતો. આરક્ષિત વર્ગને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. ભરતીનું જાહેરનામું આવ્યા બાદ વધુ વય ધરાવતા ઉમેદવારો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. જોકે, આ કેસની સુનાવણી રજાઓ બાદ થવાની હતી.
યુવાનોની સાથે કેટલાક આગેવાનોએ પણ કરી હતી વિનંતી
યુવાનોના અનુરોધ પર કેટલાક નેતાઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો અનુરોધ પણ કર્યો હતો, જે બાદ સીએમ યોગીએ યુવાનોને રાહત આપતાં વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનું કહ્યું છે.
2018 પછી પહેલીવાર પોલીસ ભરતી
ઉત્તર પ્રદેશમાં 60,244 જગ્યાઓ માટે ભરતી છે. આ ભરતી 2018 પછીની પ્રથમ પોલીસ ભરતી છે. આવી સ્થિતિમાં જે યુવાનો 2018માં 18 કે 19 વર્ષના હતા તેઓ 2023 સુધીમાં ઓવરએજ થઈ જશે. આવી સ્થિતિમાં 5 વર્ષ બાદ મળેલી તકને સરકી જતા જોઈને આ યુવાનોએ મુખ્યમંત્રીથી લઈને કોર્ટમાં અરજી કરી હતી.
આવતીકાલથી શરૂ થશે ભરતી પ્રક્રિયા
હવે આવતીકાલથી શરૂ થનારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જનરલ કેટેગરી અને EWS કેટેગરીના 18 વર્ષથી 25 વર્ષની વચ્ચેના યુવાનો ભાગ લઈ શકશે.


