હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા જાસૂસોને કરવામાં આવતી ચુકવણી પર પ્રશ્ન ઉભા થયા છે. ISI સ્થાન, સૂચનાનું મહત્ત્વ જોઇને જ ચુકવણી કરે છે. નાની માહિતી હોય તો 5 હજાર જેવી રકમ અને મોટી માહિતી હોય તો કરોડો રૂપિયા સુધી પણ ચુકવણીઓ કરવામાં આવે છે. ISIનું વાર્ષિક બજેટ 5 અરબ રૂપિયા છે. જેનો ઉપયોગ પગાર અને જાસૂસોની ચુકવણી માટે કરવામાં આવે છે.
જ્યોતિ મલ્હોત્રા કેસથી વધી હલચલ
હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા કેસ બાદ એક પ્રશ્ન સોૌથી વધુ ચર્ચામાં છે અને તે છે તેની વૈભવી જીવનશૈલી. સોશિયલ મીડિયા પર જ્યોતિ મલ્હોત્રાએ જે ફોટો અને વીડિયો અપલોડ કર્યા હતા. તેમાં તેની વૈભવી જીવનશૈલી દેખાઇ રહી છે. વર્ષ 2020 સુધી જ્યોતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહી હતી. પરંતુ બાદમાં તેણે યૂટ્યૂબર બનીને અલગ જ પ્રોફેશનમાં પગ મુક્યો હતો. યૂટ્યૂબના પ્રવાસ દરમિયાન તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં આવી. અને ભારતની ગુપ્ત માહિતીઓ લીક કરવાની શરૂ કરી. આ કામ માટે તેને કરવામાં આવેલી ચુકવણી અને અન્ય ખર્ચા ચર્ચાનો વિષય બન્યા છે.
જાસૂસોને કેટલા રૂપિયા સુધી કરાય છે ચુકવણી?
ISI સ્થાનને પ્રથમ પ્રાથમિકતા આપે છે. એટલે ગુપ્ત માહિતી ક્યાંથી આવી છે અને કોના વિશે છે તે મુજબ ચુકવણી કરવામાં આવે છે. થાઇલેન્ડ અને મ્યાનમાર જેવા દેશ માટે ઓછા પૈસા આપવામાં આવે છે. તો બીજી તરફ, ભારત અને અમેરિકા જેવા દેશ માટે વધુ પૈસા આપવામાં આવે છે. પાકિસ્તાન દરવર્ષે જાસૂસોને પૈસા આપવા માટે 5 અરબનું બજેટ ફાળવે છે. ISI આ બજેટમાંથી પોતાના કર્મચારીઓને પગાર અને જાસૂસોને ચુકવણી કરે છે. ISIમાં હાલમાં 4 હજાર કર્મચારીઓ છે.
પાકિસ્તાન તરફથી એક જાસૂસને કેટલા અપાય છે રૂપિયા ?
પાકિસ્તાનની સરકાર અને ગુપ્તચર એજન્સી ISIએ પૈસા મામલે કોઇપણ દિવસ કોઇ ખુલાસો કર્યો નથી. પરંતુ પકડાયેલા જાસૂસોએ ચુકવણી મામલે પોલીસ સમક્ષ ઘણા નિવેદનો આપ્યા છે. પંજાબ પોલીસે ફેબ્રુઆરી 2025માં અમૃતસરમાંથી ISI એજન્ટની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે જણાવ્યુ હતુ કે ગુપ્તચર એજન્સી ISI માહિતીના આધારે જાસૂસોને પૈસા આપે છે. 2011માં અમેરિકી અધિકારીને પાકિસ્તાન માટે જાસૂસો કરવા 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.