- ઝિમ્બાબ્વેની નદીઓ, તળાવો, જળાશયો સુકાઈ જતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે
- અડધાથી વધુ વસ્તીને પાણી અને ખાદ્ય પદાર્થનું સંકટ ઊભું થયું
- યુનોએ વિશ્વને ઝિમ્બાબ્વેની માનવીય મદદ કરવાની અપીલ કરવી પડી
ઝિમ્બાબ્વેમાં છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટા દુષ્કાળનો સામનો કરવો પડવાની નોબત આવી છે. અહીં નદીઓ, તળાવો અને જળાશયોમાં ધૂળ ઉડી રહી છે. ખેતીવાડી, લીલીવાડીઓ ધરાવતો પ્રદેશ રણ પ્રદેશમાં ફેરવાઈ ગયો છે. પાક સુકાઈ રહ્યો છે. આનાથી ભૂખમરાનો ખતરો પેદા થયો છે. યુનોએ સમગ્ર સ્થિતિઓ પર વિશ્વને મદદની પોકાર કરી છે. ઝિમ્બાબ્વેમાંમાં ચાર દાયકામાં સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. દેશની આશરે અડધી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી અને ખાદ્ય પદાર્થોની તત્કાળ જરૂર હોવાનું યુનોએ જણાવ્યું હતું.
યુનોએ ઝિમ્બાબ્વે માટે 43 કરોડ ડોલરની મદદની અપીલ કરી છે. માનવીય મુદ્દે યુનો કાર્યાલયે જણાવ્યું કે દેશની એક કરોડ 50 લાખની વસ્તીમાંથી 76 લાખ લોકોને આજીવિકા ચલાવવા અને જીવન રભક્ષા માટે માનવીય સહાયની જરૂર છે. સૌથી ગંભીર રીતે અસરગ્રસ્ત જિલ્લાના 31 લાખ લોકોને તત્કાળ મદદની અપીલ કરાઈ હતી.
અલ નીનો દુષ્કાળનું મુખ્ય કારણ
ઉલ્લેખનીય છે કે અલ નીનોને લીધે દક્ષિણી આફ્રિકાના મોટાભાગના વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થયું છે. જેથી માનવ અને પશુઓ સમક્ષ ખાદ્ય પદાર્થો તેમજ પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે. ઝિમ્બાબ્વે ખેતી પર નિર્ભર દેશ છે. અને એક સમયે તે ખાદ્ય પદાર્થોની નિકાસ કરતો હતો. પરંતુ વર્તમાનમાં દુષ્કાળ પડવાથી સૌથી વધુ પ્રભાવિત છે. યુનોએ ઝિમ્બાબ્વેમાં ખાદ્ય મદદને લઈ રોકડ તેમજ સૌર ઊર્જા સંચાલિત બોરહોલના નિર્માણ કરવામાં મદદ કરવાની અપીલ કરી છે. જેનાથી લોકોને અને પશુપાલન કરતા લોકોને પાણી મળી રહે.


