વિવિધ ઉત્સવો, પર્વો અને મેળાઓના દેશ ભારતમાં પારસી સમુદાયના લોકો માટે નવ વર્ષ `નવરોજ’ આસ્થા અને ઉત્સાહનો સંગમ હોય છે. અહીં નવનો અર્થ છે નવો અને રોજ એટલે દિવસ. આ રીતે નવરોજ શબ્દ બન્યો છે.
પારસીઓ આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઊજવે છે. તેઓનો ઉત્સાહ એટલો બધો હોય છે કે તેઓ આખું વર્ષ આ તહેવાર આવવાની રાહ જોતા હોય છે. નવરોજ વસંત ઋતુની શરૂઆતમાં આવે છે અને દર વર્ષે 21 માર્ચે આ તહેવાર ઊજવાયછે. પારસીઓ ઉમળકાભેર આ ઉત્સવની ઉજવણી કરે છે. તેઓ માત્ર નવાં કપડાં પહેરીને કે ઘર સજાવીને જ આ તહેવારની ઉજવણી કરતા નથી, પરંતુ આ દિવસે ધાર્મિક બાબતોને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓ એકબીજાને શુભકામનાઓ આપે છે અને તેમના પવિત્ર સ્થળ અગિયારીમાં જઈને પૂજન-અર્ચન કરે છે. સામાન્ય રીતે 21 માર્ચ એ વસંતનો પહેલો દિવસ હોય છે. તે દિવસે પ્રકાશ અને અંધકાર બંને સરખાં હોય છે. જ્યારે સૂર્ય વિષુવવૃત્ત રેખા પર પહોંચી જાય છે અને દિવસ-રાત સરખાં થઈ જાય છે તે ચોક્કસ સમયને જમશેદી નવરોજ કહે છે. આ દિવસોમાં અશોક વૃક્ષ ફૂલેફાલે છે અને આંબા પર મોર આવવા લાગે છે. પાનખરમાં જે વૃક્ષનાં પાન ખરી પડ્યાં હોય છે તેના પર નવાં પાન ફૂટે છે. ચારે બાજુ નવી હરિયાળી છવાઈ જાય છે. ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું લાગે છે, તેથી નવરોજ ખરા અર્થમાં મોસમના ઉલ્લાસનું પર્વ છે.
ઉજવણી પાછળની કથા
પારસી લોકો નવરોજ ફારસના રાજા જમશેદજીની યાદમાં આ દિવસ મનાવે છે, જેમણે પારસી કેલેન્ડરની રચના કરી હતી. પારસી લોકો એવું માને છે કે આ દિવસે આખી કાયનાત (દુનિયા) બનાવવામાં આવી હતી. નવરોજને ઈરાનમાં એદે-નવરોજ કહેવામાં આવે છે. પારસી લોકો આ ઉત્સવને હંમેશાં `જમશેદી નવરોજ’ કહે છે. આ દિવસનો એક અનોખો રિવાજ એ હતો કે રાજાને સોના-ચાંદી સાથે તોલવામાં આવતા. ત્યારબાદ તેનું ગરીબ લોકોને દાન કરી દેવામાં આવતું.
પરંપરા
પારસી પરંપરા અનુસાર આ દિવસે લોકો મેજ પર પવિત્ર વસ્તુઓ રાખે છે. તેમાં જરથ્રુષ્ટ્રની તસવીર, મીણબત્તી, અગરબત્તી, ફળ, ફૂલ, ખાંડ, સિક્કા વગેરેનો સમાવેશ થાય છે. એવી માન્યતા છે કે તેનાથી પરિવારના લોકોનું આયુષ્ય અને સમૃદ્ધિ વધે છે. નવરોજના દિવસે પારસી પરિવાર પોતાના ઉપાસના સ્થળે જાય છે. આ દિવસે ઉપાસના સ્થળોએ આભાર વ્યક્ત કરતી પ્રાર્થનાઓ કરવામાં આવે છે. જેને જશ્ન કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર અગ્નિને લોકો ચંદનનાં લાકડાં ચઢાવે છે. પ્રાર્થના થઈ ગયા પછી પારસી લોકો એકબીજાને સાલમુબારક કહે છે.
ઉજવણી
નૂતન વર્ષના આ દિવસે પારસી લોકો પોતાનાં ઘરોને સજાવે છે. વહેલી સવારે ઊઠીને દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈને નવાંનવાં કપડાં પહેરે છે. ત્યારબાદ સુગંધિત અગરબત્તી સળગાવીને વાતાવરણને શુદ્ધ કરવામાં આવે છે. પારસી લોકો નવા વર્ષના આ દિવસે વિશેષ વાનગીઓ બનાવે છે. તેમાં સેવૈયા (મીઠી સેવ), મીઠો ભાત, મીઠો રવો અને પુલાવ મુખ્ય હોય છે. આ દિવસે ઘરે આવનારા મહેમાનોનું સ્વાગત ગુલાબજળ છાંટીને કરવામાં આવે છે. નવરોજના આ અવસરે કેટલાક લોકો દાન-પુણ્ય કરવા માટે ગરીબોને ભોજન પણ કરાવે છે.