- તા. 16મી જૂને જિલ્લાભરમાં વરસાદની આગાહી
- મૂળીના મહાદેવગઢમાં વીજળી પડવાથી બે પશુનાં મોત
- ભારે પવન સાથે વઢવાણના 80 ફૂટ રોડ અને રતનપરમાં વરસાદ, સુરેન્દ્રનગર કોરું ધાકોડ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત 40-41 ડીગ્રી ઉપર રહે છે. ત્યારે શુક્રવારે જિલ્લાના વઢવાણ શહેર અને લીંબડીમાં વરસાદ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. જયારે મુળીના મહાદેવગઢ ગામે વીજળી પડવાથી 2 ભેંસોના મોત થયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. સતત પડતી 40-41 ડીગ્રી ગરમીથી જિલ્લાવાસીઓ અકળાયા છે. ત્યારે હવામાન વિભાગે પણ તા. 16ને રવીવારે જિલ્લામાં સર્વત્ર વરસાદની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે પણ દિવસભર સુર્યનારાયણ તપ્યા બાદ મોડી સાંજે જોરદાર પવન ફુંકાયો હતો. અને શહેરના રતનપર અને વઢવાણના 80 ફુટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ફલડ કચેરીના જણાવાયા મુજબ વઢવાણમાં 8 મીમી અને લીંબડીમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. જયારે જિલ્લામાં ભારે પવન સાથે વીજ ગર્જનાઓ પણ જોવા મળતી હતી. જેમાં મુળીના મહાદેવગઢ ગામે આકાશી વીજળી પડતા ર ભેંસોના મોત થયા છે.
શહેરના રતનપર અને વઢવાણના 80 ફુટ રોડ પર વરસાદ વરસ્યો હતો પરંતુ સુરેન્દ્રનગર શહેર કોરૂ ધાકોડ રહ્યુ હતુ. બીજી તરફ જિલ્લાના ધ્રાંગધ્રા, મુળી સહિતના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. પરંતુ ફલડ કચેરીએ આ વરસાદ નોંધાયો ન હતો.


